અંતિમ દિવસોમાં એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો… ૧૩૮ વરસની ઉમરે તેમણે ભાલકા તીર્થ ખાતે દેહ ત્યાગ કર્યો તે પહેલા તેમણે એક વિરાટ એકલતાને માણી હતી… તેઓ વૈભવી જીવન જીવતા હતા ત્યારે તેમને વંદન કરનારા પણ તેમની સાથે નહોતા… કૃષ્ણએ એકલતાના વૈભવને પણ માણ્યો, જે સામાન્ય માનવીનું કામ નથી. અને એટલે જ એ પૂર્ણ અવતાર હતા… કૃષ્ણને મન બધુ જ હોવું અને કશું ન હોવું – એ બન્ને સ્થિતિ આનંદપૂર્વક માણવા જેવી છે… ગીતામાં જ્યારે તે એમ કહે છે કે सुखेदुःखे समे कृत्वा लाभालाभोव्द्मयाव्द्मयो| ત્યારે તેનો અર્થ એ થાય છે કે આમાંની એકેય સ્થિતિને ગંભીરતાથી લેવાની જરુર નથી. न लिम्प्यंते અથવા व्द्मलकमलवत्‌ પણ આ જ સ્થિતિ છે…
કૃષ્ણના અવતરણની સાથે જ સૃષ્ટિ આખી ‘ટ્રાન્સફોર્મ્ડ’ થઈ જાય છે. જડનું ચેતનમાં અને ચેતનનું જડમાં રૂપાંતર થઈ જાય છે. દ્વારપાળો નિદ્રાધીન બની જાય છે. દ્વાર એની મેળે ખૂલી જાય છે. જન્મતાની સાથે પારણામાં પોઢવાને બદલે ટોપલામાં બેસીને જેણે જીવનયાત્રા શરુ કરી દીધી હતી એવા વાસુદેવ કૃષ્ણને યમુના નદી પણ માર્ગ કરી આપે છે. કારણ કે આ પ્રકૃતિ સાથે એકરૂપ એવા દિવ્ય આત્માનો જન્મ છે. તર્ક અને વિતર્કની પેલે પારની સઘળી ઘટનાઓ અહીં સંભવિત છે. અહીં મૃત્યુથી ઘેરાયેલા કારાવાસમાં ‘સ્વતંત્રતા’નો જન્મ થાય છે.
કૃષ્ણના જન્મની સાથે જ અસંભવિતતાઓનું સંભવિતતામાં ટ્રાન્સફોર્મેશન થાય છે. નિયમોનું અપવાદમાં મેટામોર્ફોસિસ થાય છે. કૃષ્ણનો જન્મ અપવાદનું પ્રતીક છે. કૃષ્ણના જન્મની સાથે જૂની પરંપરાઓનો ભડિંગો થવા લાગે છે અને નવી પરંપરાઓનું પ્રસ્થાપન શરૂ થાય છે. કૃષ્ણના જન્મની સાથે જ નિરાશાઓ નષ્ટ થવા લાગે છે, આશાઓનો ઉદય શરૂ થઈ જાય છે. સૃષ્ટિમાં સુંદરતાઓનો સળવળાટ શરૂ થઈ જાય છે. કૃષ્ણ સુંદરતાનું પ્રતીક છે. મધુરાધિપતે રખિલમ્‌ મધુરમ્‌… કૃષ્ણ સર્વરુપેણ સુંદરતાઓ અને ઉત્તમતાઓનો અવતાર છે. તે સર્વ વાતે ઉત્તમ છે. સર્વોત્તમ છે. પૂર્ણ છે, પૂર્ણ પુરુષોમાં ઉત્તમ છે. દરેક પ્રકારની બેસ્ટ કેટેગરી એમના નામે લખી આપવી પડે. તે ઉત્તમ પુત્ર છે. તે ઉત્તમ શિષ્ય છે. તે ઉત્તમ પ્રેમી છે. તે ઉત્તમ પતિ છે… (કોઈ શક?) તે ઉત્તમ મિત્ર છે. તે ઉત્તમ દુશ્મન પણ છે. આ માખણ ચોર જેવો-તેવો નથી, તે ચોર તરીકે પણ ઉત્તમ છે. તે ચિતડાનો ચોર છે. તે એક ઉત્તમ ઉઠાઉગીર છે. બ્રહ્માંડના તમામ ઉત્તમ સ્થાનો એણે પચાવી પાડ્‌યાં. તે ઉત્તમ પચાઉગીર છે. વિભૂતીયોગ (૧૦મો અધ્યાય)ની યાદી ચેક કરો.
કૃષ્ણએ પોતાના નામે કરી લીધેલી પ્રોપર્ટીનું લિસ્ટ તપાસો. ગીતાનો વિભૂતીયોગ ટાઈટલવાળો દસ્તાવેજ બરાબ્બર સ્કૃટીનાઈઝ કરો… લિસ્ટ તપાસ્યા પછી બ્રહ્માંડમાં નજર કરો… જયાં જયાં નજર મારી પડે, યાદી ભરી ત્યાં આપની…!
એવું પણ કહી દીધેલું કે જેને તમે પરમાત્મા કહો છો, તે પોતે જ હું છું. આખું જગત મારી અંદર છે, અને હું આખા જગતની અંદર છું. આ ‘મોટાભાઈ’ના ગુરુનું નામ સાંદિપનિ, પણ પોતે આખા જગતના ગુરુ. તોય ‘મોટાભાઈ’ની અંદર મોટાઈ સેજ્જેય નૈ…! જશોદા મમ્મી કે’ એટલે તરત ગાયો ચરાવવા ઉપડી જાય. પાંડવો યજ્ઞનો જમણવાર કરે તો કિશન ભૈયા પતરાળાં ઉપાડવા માંડે. આખી દુનિયાના ડિરેક્ટર હોવા છતાં મોહન ભૈયા અર્જુનના ‘ડ્રાઈવર’ બની જાય. બીજા બધા ભગવાનો – દેવતાઓ સમક્ષ ઉપસ્થિત થવામાં હજાર જાતનું ધ્યાન રાખવું પડે. શિસ્તબદ્ધ ઊભા રહેવું પડે. આડું-અવળું બોલાઈ ન જાય એનું તો ઠીક, આડું-અવળું વિચારાઈ ન જાય એનું ય ધ્યાન રાખવું પડે. નહિતર આ લોકો તો પાછા અંતર્યામી હોય…! પણ આપણા કિશન ભૈયા આગળ એવી ફોર્માલીટીની કોઈ જરૂર નહીં. એને પગે લાગો તો ય એને ગમે. એને ભેટીને મળો તોય એ ખુશ થઈ જાય. પ્રેમથી એના ગાલે ચિટીયો ભરો તો ય એને મજા પડી જાય. એને પ્રેમથી ટપલી મારો તો ય એને ખબર પડે કે આ ટપલી એક પ્રેમપૂર્વકના વદંન છે. એ બધુંય હળવાશ અને મોજ-મસ્તીમાં કાઢી નાખે. હી ઈઝ કુલ… ઓલટાઈમ કુલ… એને કાનુડો કહો તોય કુલ… કુલ…
એક જ એવો આ ધર્મપુરુષ છે કે જેને તુંકારે તો ઠીક, તોછડા નામે બોલાવી શકાય છે. બોલો, કૃષ્ણ ને તમે કાનુડો કહી શકો પણ રામ વિશે એવું કંઈ વિચારી શકો? રામને રામલો કહી શકશો? બિલકુલ નહીં, રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામને રામલો કહેશો તો ધર્મધૂરંધરો તો ઠીક, તમારો આત્મા જ તમને ઢીકો મારીને કહેશે, ‘એય, બોલવામાં ધ્યાન રાખ…’ પણ આપણો આ કાળિયો ઠાકર ઉર્ફે કાનુડો અમર્યાદિત ઇશ્વર છે, પૂર્ણ પુરુષ છે. પૂર્ણતામાં બધું આવી જાય. એટલે તમે એને ગમે તે નામે પુકારો, બધા એનાં જ નામ છે. કવિ ગિરીશ પરમાર “ગ્લોબલ” કહે છે:
છું સુદામો પણ મને મળવું હશે, તો હડી કાઢી જ નટવર આવશે
બોલો, બીજા કોઇ ભગવાન પણ તમને મળવા આવી શકે, એની ના નહીં, પણ હડી કાઢીને તો નટવર જ આવી શકે !