આવકવેરા વિભાગે જયપુર સ્થિત જ્વેલરી અને રંગીન જેમ સ્ટોનના મેન્યુફેકચરિંગ અને નિકાસ સાથે સંકળાયેલ ગ્રુપમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું શોધી કાઢ્યું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આવકવેરા વિભાગે ગ્રુપના પાંચ પરિસરોમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું હતું. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર કરોડ રૂપિયા રોકડા અને ૯ કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરી હતી.સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ગ્રુપમાંથી કુલ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની બ્લેક ઇન્કમ શોધવામાં આવી છે. જે પૈકી જૂથે ૭૨ કરોડ રૂપિયાની બ્લેક ઇન્કમ સ્વીકારી લીધી છે.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેÂક્સસ(સીબીડીટી) આવકવેરા વિભાગના નિર્ણયો લેતી ઉચ્ચ સંસ્થા છે. સીબીડીટીએ દાવો કર્યો છે કે આ જૂથ આફ્રિકાના દેશોમાંથી કીંમતી પથ્થરો આયાત કરી જયપુરમાં તેના પર પ્રોસેસ કરવામાં આવતી હતી.
સીબીડીટીએ આરોપ મૂક્યો છે કે આ કીંમતી પથ્થરોનો અમુક ભાગ રોકડમાં વેચી દેવામાં આવતો હતો. જેના દ્વારા કાળા નાણાનું સર્જન થતું હતું અને ચોપડે તેની કોઇ નોંધ કરવામાં આવતી ન હતી.આ કાળા નાણાંનો ઉપયોગ રોકડમાં લોન આપવા માટે કરવામાં આવતો હતો. આ માટે એક ફાઇનાન્સિયલ બ્રોકરની નિમણૂક કરવામાં આવી હતી. રોકડમાં લોન આપવી અને તેના પર ઉંચા દરે વ્યાજ વસૂલ કરવાના દસ્તવેજો આવકવેરા વિભાગે જપ્ત કરી લીધા છે.