જમ્મુ અને કાશ્મીર સરકારે ખીણમાં પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી અને તેની સાથે જોડાયેલા ફલાહ-એ-આમ ટ્રસ્ટની ૨૧૫ શાળાઓને પોતાના કબજામાં લેવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓની હાલની મેનેજમેન્ટ સમિતિઓની માન્યતા કાં તો સમાપ્ત થઈ ગઈ હતી અથવા તેમના વિશે નકારાત્મક અહેવાલ આપવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર વહીવટીતંત્રે એફએટી દ્વારા સંચાલિત શાળાઓને સીલ કરવાનો આદેશ આપ્યાના ત્રણ વર્ષ પછી આ આદેશ આવ્યો છે.
સરકારે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર કોઈપણ રીતે અસર ન પડે. જિલ્લા મેજિસ્ટ્રેટને શાળા શિક્ષણ વિભાગ સાથે પરામર્શ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધોરણો અનુસાર ગુણવત્તાયુક્ત શિક્ષણ જાળવવા માટે જરૂરી પગલાં અમલમાં મૂકવા કહેવામાં આવ્યું છે.
સરકારી આદેશ નંબર ૫૭૮ -જેકે(શિક્ષણ) ૨૦૨૫ અનુસાર, ગુપ્તચર એજન્સીઓના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ શાળાઓ પ્રતિબંધિત સંગઠન સાથે સીધી કે આડકતરી રીતે જાડાયેલી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ શાળાઓનું સંચાલન હવે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ/ડેપ્યુટી કમિશનરો દ્વારા કરવામાં આવશે, જેઓ યોગ્ય ચકાસણી પછી નવી સમિતિઓની દરખાસ્ત કરશે. જો કે, જમ્મુ અને કાશ્મીરના શિક્ષણ મંત્રી સકીના ઇટુએ આરોપ લગાવ્યો છે કે આ આદેશમાં “તેમની જાણ વગર” સુધારો કરવામાં આવ્યો છે.
ઉત્તર કાશ્મીર- કુલ ૯૬ શાળાઓ છે જેમાં બારામુલ્લા-૫૪, કુપવાડા-૩૬,બાંદીપોરા-૬,દક્ષિણ કાશ્મીર- કુલ ૮૯ શાળાઓ છે જેમાં અનંતનાગ-૩૭,પુલવામા-૨૧,કુલગામ-૧૬,શોપિયા-૧૫,મધ્ય કાશ્મીર-૩૦ શાળાઓ છે જેમાં બડગામ-૨૦,ગંદરબલ-૬ શ્રીનગર-૪નો સમાવેશ થાય છે
આદેશમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૧૯માં જમાતને ગેરકાયદેસર જાહેર કરી હતી અને આ શાળાઓની વ્યવસ્થાપક સમિતિઓનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેમના વિશે પ્રતિકૂળ અહેવાલો આપવામાં આવ્યા છે. આ આદેશમાં ડેપ્યુટી કમિશનરોને આ શાળાઓનો કબજા લેવા અને તેમના માટે નવી સમિતિઓનો પ્રસ્તાવ મૂકવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
વધુમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા ડેપ્યુટી કમિશનર, “આ શાળાઓનો કબજા લેતા, શાળા શિક્ષણ વિભાગ સાથે પરામર્શ અને સંકલનમાં યોગ્ય પગલાં લેશે જેથી ખાતરી કરી શકાય કે આ શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનને કોઈપણ રીતે અસર ન થાય”. તેમાં ઉમેર્યું હતું કે, “તેઓ (ડેપ્યુટી કમિશનર) આ શાળાઓમાં એનઇપીના ધોરણો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં પણ લેશે.” મોટાભાગની શાળાઓ જે પર કબજા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે સમુદાય સંચાલિત છે.