જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ, ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમના દરવાજા ખોલી નાખ્યા છે. મળતી માહિતી મુજબ, રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે વધતા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે ડેમના અનેક દરવાજા ખોલવા પડ્યા હતા. સતત ભારે વરસાદને કારણે ચિનાબ નદીના પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. ડેમના દરવાજા ખોલતાની સાથે જ પાકિસ્તાની વિસ્તારોમાં પાણીનો ઝડપી પ્રવાહ વધી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી પાકિસ્તાનમાં પૂરનું જાખમ વધી ગયું છે.
પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન પર પાણીનો હુમલો કરીને સિંધુ જળ સંધિનો ભંગ કર્યો. બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરીને પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવ્યું. પાણી બંધ કર્યાના બે દિવસ પછી, ભારતીય બાજુથી અચાનક દરવાજા ફરી ખોલવામાં આવ્યા, જેના કારણે પાકિસ્તાની બાજુ પૂરનું જાખમ વધી ગયું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેનાબ નદીમાંથી મરાલા હેડમાં ૨૮૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અચાનક ભારે પાણી છોડવાને કારણે, પાકિસ્તાનના સિયાલકોટ, ગુજરાત અને હેડ કાદિરાબાદમાં પૂરનો ભય છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલય કહે છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પર વધુ હુમલાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બુધવારે બપોરે લગભગ ૧:૩૦ વાગ્યે, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ નામનો વળતો હુમલો શરૂ કર્યો. આ કાર્યવાહીમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૯ આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઓપરેશન બપોરે ૧:૦૫ થી ૧:૩૦ વાગ્યાની વચ્ચે માત્ર ૨૫ મિનિટમાં હાથ ધરવામાં આવ્યું હતું. આમાં, તે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાંથી ભારત વિરુદ્ધ હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઠેકાણાઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જાડાયેલા હોવાનું કહેવાય છે. આ બંને સંગઠનો પર ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓનો આરોપ છે.
ભારતે સિંધુ જળ સંધિ પણ હાલ પૂરતી મુલતવી રાખી છે. ચિનાબ નદી પણ આ સંધિનો એક ભાગ છે. સિંધુ નદી પ્રણાલીમાં જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓનો સમાવેશ થાય છે. ૧૯૬૦ના સંધિમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે તેમના પાણીના ઉપયોગના અધિકારો વહેંચવામાં આવ્યા હતા. પાકિસ્તાનની મોટાભાગની ખેતી સિંચાઈ માટે આ નદી પ્રણાલી પર આધારિત છે.
બગલીહાર બંધ એ ચેનાબ નદી પરનો એક મહત્વપૂર્ણ જળવિદ્યુત પ્રોજેક્ટ છે. આ અગાઉ સિંધુ જળ સંધિ અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદોનું કેન્દ્ર પણ રહ્યું છે. સિંધુ જળ સંધિ એ એક કરાર છે જેના હેઠળ ભારત અને પાકિસ્તાન સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણીનો હિસ્સો ધરાવે છે. પરંતુ હવે ભારતે આ સંધિને પણ મુલતવી રાખી છે. આનો અર્થ એ થયો કે ભારત પાકિસ્તાનને પાણી આપવામાં કેટલાક ફેરફારો કરી શકે છે.