ભારતના પવિત્ર પર્વોમાં જન્માષ્ટમીનો દિવસ અત્યંત મહત્વનો અને આધ્યાત્મિક ઊર્જાથી ભરેલો છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણજીનો અવતાર ધાર્મિક માન્યતાઓ અનુસાર દ્વાપરયુગના અંતે થયો હતો. તેઓનો જન્મ કંસથી પીડિત મથુરામાં, કારાગારની અંદર, અધર્મ અને અંધકારને નષ્ટ કરવા માટે થયો હતો. જન્માષ્ટમી એ માત્ર તહેવાર નહીં, પણ એ જીવન જીવવાનો ઋષિપ્રેરિત માર્ગ છે.
ભગવાન શ્રીકૃષ્ણનું જીવનઃ
ભગવાન શ્રીકૃષ્ણનો જીવન પ્રવાહ માત્ર એક દેવતા તરીકે નહિ, પણ એક મહાન અધ્યાત્મશીલ અધ્યાપક, રાજકીય કૌશલ્યવાન અને પ્રેમના અનુપમ પ્રતીક તરીકે જોવા મળે છે. બાળપણમાં ગોકુળમાં લીલા કરતા માખણચોર કૃષ્ણ, યુવાન વયે રાધાની સાથે ભક્તિપ્રેમનો સંબંધ બાંધે છે અને યુદ્ધના મેદાનમાં પાંડવો માટે માર્ગદર્શક બનીને જીવનનું તત્વજ્ઞાન સમજાવે છે.
“ પરિત્રાણાય સાધૂનામ્, વિનાશાય ચ દુષ્ટકૃતામ્… ”
અર્થાત્ઃ સાચા લોકોનું રક્ષણ અને દુષ્ટોનો નાશ – એ જ ભગવાનના અવતારનો હેતુ છે. શ્રીકૃષ્ણનું જીવન અનેક ક્ષેત્રોમાં જીવન જીવવાનો માર્ગ બતાવે છેઃ
૧. ધર્મ અને કર્તવ્યનું પાલનઃ
ગીતામાં શ્રીકૃષ્ણ કહી જાય છેઃ
“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”
અર્થાત્ઃ માનવ માત્રએ ફળની આશા વિના કર્તવ્ય કરતા રહેવું જોઈએ.
૨. પ્રેમ અને કરુણાઃ
વ્રજની ગોપીઓ અને રાધા સાથેના અનંત અને નિઃસ્વાર્થ પ્રેમ સંબંધ દ્વારા એ શીખવે છે કે પ્રેમ એ આત્માની ભાષા છે, શરીરની નહિ.
૩. સંતુલન જ જીવનનું સૌંદર્ય છેઃ
શ્રીકૃષ્ણ જીવનમાં કર્મ, પ્રેમ ભક્તિ અને રાજ્યકાર્ય બંનેનો સુમેળ રાખે છે – તેઓ યુદ્ધવિદ્યા પણ જાણે છે અને વેણુવાદનમાં પણ નિપુણ છે. તેઓ દેવતા પણ છે અને એક સારા દૂત પણ બની શકે છે.
૪. અહંકાર નાશઃ
શ્રીકૃષ્ણએ પોતાના જીવન દ્વારા બતાવ્યું કે ભક્તિ, નમ્રતા અને પરમ શ્રદ્ધાથી જ ભગવાનને પામી શકાય છે – અહંકારથી નહિ. ૫. માનવતાનું મહત્વઃ
શ્રીકૃષ્ણ દરેક જાત, વર્ગ અને સ્ત્રીઓના સમાન અધિકાર માટે ઊભા રહ્યા. તેમણે દ્રૌપદીની લાજ બચાવી, સુદામાની મિત્રતા નિભાવી અને હસ્તિનાપુરના ઘમંડી યુવરાજના છપ્પન ભોગ ત્યાગીને વિદુરના ઘરે પ્રેમથી ભાજી આરોગીને માનવતાનું મહત્વ સમજાવેલ છે. જન્માષ્ટમીનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહિમાઃ જન્માષ્ટમી પર સમગ્ર ભારતભરમાં મંદિરોમાં પૂજા-અર્ચના, કીર્તન-ભજન અને “દહી હાંડી” જેવી લોકપ્રિય ઉજવણી થતી હોય છે. બાળકો નંદલાલાના વેશમાં મટકીફોડની મજા લે છે.
• જન્માષ્ટમી આપણને “અંધકાર પછી પ્રકાશ છે, અધર્મ પછી ધર્મ છે.” એ સંદેશ આપે છે.
નિષ્કર્ષ સ્વરૂપે કહી શકાય કે શ્રીકૃષ્ણનું જીવન માત્ર હિન્દુ ધર્મ માટે નહિ, પરંતુ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક છે.
તેમનો સંદેશ કર્મ કરો, પરિશ્રમ કરો, પ્રેમ આપો અને ધર્મ પાળો. – આજે પણ એટલો જ પ્રાસંગિક છે.
“કૃષ્ણ એ ભક્તિ છે, કૃષ્ણ એ જીવન શૈલી છે,
કૃષ્ણ એ પોતાને ઓળખવાનો માર્ગ છે.”
જન્માષ્ટમી એ તહેવાર છે – આપણામાં છુપાયેલ અનંત શક્તિને જગાડવાનો.
ચાલો, આજે નક્કી કરીએ કે આપણે પણ શ્રીકૃષ્ણના જીવન સંદેશને આત્મસાત કરી, વધુ સારા નાગરિક અને માનવ બનીએ. સૌને જય શ્રી કૃષ્ણ.













































