અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે લાંબા સમયથી પ્રજાજનોની મહત્વપૂર્ણ માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધાનો પ્રશ્ન હવે હલ થયો છે. રાજ્ય સરકાર દ્વારા અહીં રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે સુવિધાપથ (સી.સી. રોડ) મંજૂર કરવામાં આવ્યો છે. આ વિકાસ કાર્ય માટે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવીયાની સતત રજૂઆત અને પ્રયત્નો મહત્વના સાબિત થયા છે. મોટા દેવળીયા ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને વર્ષોથી કાચા અને જર્જરિત રસ્તાઓને કારણે ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને ચોમાસામાં વાહન વ્યવહાર ખોરવાતો હતો. હવે ૧.૫૦ કરોડના ખર્ચે સી.સી. રોડ મંજૂર થતા ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે અને લોકોને કાયમી સુવિધા મળશે. આ મંજૂરી મળતાં ગામના સરપંચ, પંચાયત સદસ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.







































