લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આવી સ્થિતિમાં, તેમના માટે એકમાત્ર વિકલ્પ બાકી છે કે તેઓ સંસદ દ્વારા હટાવવામાં આવે તે પહેલાં રાજીનામું આપે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર, મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મણીન્દ્ર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ બી. વી. આચાર્યનો સમાવેશ થાય છે.

બિરલાએ લોકસભામાં કહ્યું કે આ સમિતિ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. ત્યાં સુધી વર્માને હટાવવાનો પ્રસ્તાવ પેન્ડીંગ રહેશે. તેમણે જણાવ્યું કે ૨૧ જુલાઈના રોજ ૧૪૬ લોકસભા સભ્યોએ ન્યાયાધીશ વર્માને હટાવવાની માંગ કરી હતી, જેમાં ભાજપના રવિશંકર પ્રસાદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.

ન્યાયાધીશોની નિમણૂક અને દૂર કરવાની પ્રક્રિયા જાણતા અધિકારીઓએ કહ્યું કે જો વર્મા સંસદ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા જાય છે, તો તેઓ મૌખિક રીતે રાજીનામું આપી શકે છે, જેને રાજીનામું માનવામાં આવશે. જો તેઓ રાજીનામું આપે છે, તો તેમને નિવૃત્ત ન્યાયાધીશ તરીકે પેન્શન અને અન્ય લાભો મળશે. પરંતુ જા તેમને સંસદ દ્વારા દૂર કરવામાં આવે છે, તો તેમને આ લાભો મળશે નહીં.

બંધારણની કલમ ૨૧૭ મુજબ, હાઇકોર્ટના ન્યાયાધીશ પોતાની સહી સાથે રાજીનામું આપી શકે છે. ન્યાયાધીશના રાજીનામા માટે કોઈ મંજૂરીની જરૂર નથી. ફક્ત એક પત્ર પૂરતો છે. ન્યાયાધીશ રાજીનામા માટે સંભવિત તારીખ પણ આપી શકે છે અને આ તારીખ પહેલાં તેઓ પોતાનું રાજીનામું પાછું પણ ખેંચી શકે છે.

બીજા રસ્તો એ છે કે સંસદ પણ ન્યાયાધીશને દૂર કરી શકે છે. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ વર્માને દૂર કરવા માટે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. આ પત્ર ત્રણ ન્યાયાધીશોની તપાસ સમિતિના અહેવાલ પર આધારિત હતો. ખન્નાએ વર્માને રાજીનામું આપવા કહ્યું હતું, પરંતુ વર્માએ ઇનકાર કર્યો હતો.

ન્યાયાધીશો તપાસ અધિનિયમ ૧૯૬૮ મુજબ, જ્યારે ગૃહમાં ન્યાયાધીશને દૂર કરવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે છે, ત્યારે સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર ત્રણ સભ્યોની સમિતિ બનાવશે જે આરોપોની તપાસ કરશે. આ સમિતિમાં સીજેઆઇ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રતિષ્ઠિત કાનૂની નિષ્ણાતનો સમાવેશ થશે. સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ચર્ચા થશે.

આ વર્ષે માર્ચમાં, વર્માના ઘરે આગ લાગી હતી જ્યારે તેઓ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. આ દરમિયાન, તેમના ઘરમાંથી બળી ગયેલી રોકડ મળી આવી હતી. ન્યાયાધીશે દાવો કર્યો હતો કે તેમને રોકડની જાણ નહોતી. જાકે, સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિએ સાક્ષીઓની પૂછપરછ અને તેમના નિવેદનોના આધારે તેમને દોષિત ઠેરવ્યા હતા. આ પછી, વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમને કોઈ ન્યાયિક કાર્ય સોંપવામાં આવ્યું નથી.

આ પહેલા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વી. રામાસ્વામી અને કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સેન પણ મહાભિયોગ પ્રક્રિયાનો સામનો કરી ચૂક્યા છે, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું હતું. ન્યાયાધીશ વર્મા સામે આ પહેલી મહાભિયોગ પ્રક્રિયા હશે, જે નવા સંસદ ભવનમાં થશે.