જગન મોહન રેડ્ડી, તેની માતા ( વાયએસ વિજયમ્મા) અને બહેન (વાયએસ શર્મિલા) સરસ્વતી પાવરના શેર અંગે વિવાદમાં હતા. હવે આ મામલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની હૈદરાબાદ બેન્ચનો નિર્ણય આવ્યો છે.એનસીએલટીએ જણાવ્યું છે કે આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડી સરસ્વતી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં તેમના અને તેમની પત્નીના શેર તેમની માતા અને બહેનને ભેટમાં આપવા સંમત થયા હતા, પરંતુ શેરનું વાસ્તવિક ટ્રાન્સફર ક્યારેય પૂર્ણ થયું ન હતું. આનાથી જગન મોહન રેડ્ડીને મોટી રાહત મળી છે. એક રીતે, આ નિર્ણય તેમના પક્ષમાં માનવામાં આવી રહ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની હૈદરાબાદ બેન્ચે મંગળવારે જગનની અરજી સ્વીકારી અને તેમના પક્ષમાં સૂચનાઓ જારી કરી.

૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ દાખલ કરાયેલી અરજીમાં, જગને તેમની બહેન વાય. એસ. શર્મિલા અને માતા વિજયમ્માના નામે સરસ્વતી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના અને તેમની પત્ની ભારતીના શેરના “ગેરકાયદેસર ટ્રાન્સફર” રદ કરવાનો આદેશ આપવા વિનંતી કરી હતી. ન્યાયિક સભ્ય રાજીવ ભારદ્વાજ અને ટેકનિકલ સભ્ય સંજય પુરીની બેન્ચે તેના આદેશમાં સરસ્વતી પાવરને જગન, ભારતી અને વિજયમ્માના નામ શેરધારકો તરીકે પુનઃસ્થાપિત કરીને તેના સભ્યોના રજિસ્ટરમાં સુધારો કરવા અને યોગ્ય પ્રક્રિયા દ્વારા કંપનીઝ રજિસ્ટ્રારને આ અંગે જાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરસ્વતી પાવરમાં જગન, ભારતી અને વિજયમ્મા અનુક્રમે ૭૪.૨૬ લાખ (૨૯.૮૮ ટકા), ૪૧ લાખ (૧૬.૩૦ ટકા) અને ૧.૨૨ કરોડ શેર (૪૮.૯૯ ટકા) ધરાવે છે, જ્યારે બાકીના શેર ક્લાસિક રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ પાસે છે.

“આ (ભેટો) ઔપચારિક રીતે પૂર્ણ થઈ હોય તેવું લાગે છે, પરંતુ ઇચ્છીત ટ્રાન્સફર ક્યારેય કાયદેસર રીતે પૂર્ણ થયું ન હતું કારણ કે દાતાઓએ મૂળ શેર પ્રમાણપત્રો મોકલ્યા ન હતા જે શેરના માન્ય ટ્રાન્સફર માટે જરૂરી શરત છે,” આદેશમાં જણાવાયું છે. આની ગેરહાજરીમાં, કંપનીને તે વ્યક્તિઓના નામે શેર કાયદેસર રીતે રજીસ્ટર કરવાથી અટકાવવામાં આવી હતી જેમને આ શેર ટ્રાન્સફર કરવાના હતા. અરજીમાં, જગને કહ્યું હતું કે તેણે શર્મિલા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં તેણે કહ્યું છે કે “પ્રેમ અને સ્નેહથી” તે કંપનીમાં તેના અને તેની પત્નીના શેર તેની અલગ રહેતી બહેનને ભેટ તરીકે ટ્રાન્સફર કરશે.

જોકે, તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરાયેલી કેટલીક મિલકતોના સંબંધમાં પેન્ડીંગ કેસોને આધીન છે. જોકે, તેમણે પાછળથી એમઓયુ રદ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે બંને ભાઈ-બહેનો વચ્ચે હવે સારા સંબંધો નથી. શર્મિલા ૨૦૨૩ માં તેના ભાઈ સાથેના મતભેદો બાદ કોંગ્રેસમાં જોડાઈ હતી. તેમને આંધ્રપ્રદેશના કોંગ્રેસ એકમના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. મે ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીમાં, શર્મિલા કડપા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.