ગુજરાત સરકાર ગમે ત્યારે જંત્રીના ભાવ વધારાની જાહેરાત કરી શકે છે. બધાની નજર હવે જંત્રીના ભાવ વધારા પર છે. સરકાર ગમે ત્યારે જંત્રીનો ઘા કરી શકે છે. ત્યારે સરકાર કેટલો ભાવ વધારો ઝીંકે છે તેના પર સૌની નજર છે.

ગુજરાત સરકારે છેલ્લાં વર્ષ ૨૦૧૧ માં જંત્રીના ભાવમાં વધારો ઝીંક્યો હતો. તેના બાદ સરકારે જંત્રીના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. પરંતું આનંદીબેન પટેલ જ્યારે મહેસુલ મંત્રી હતા ત્યારે તેઓએ વર્ષ ૨૦૧૧ માં નવા જંત્રી દર લાગુ કરતા સમયે કહ્યું હતું કે, સરકાર હવે દર વર્ષે ૮ ટકા જેટલો વધારો જંત્રી દરમાં વધારો કરતી રહેશે, પણ એવું થયુ નહિ. તેના બાદ જંત્રીના ભાવ વધારાની વાત અભરાઈ પર ચઢી ગઈ હતી.  ત્યારે હવે સૌની નજર જંત્રીના નવા ભાવ વધારા પર છે. વર્ષ ૨૦૨૪ માં સરકારે જંત્રીના ભાવ બમણા કરવાની જાહેરાત કરી હતી. પરંતું બાદમાં શહેરી વિસ્તારોમાં ૫ થી ૧૦ ગણા વધાર્યા હતા. જેને કારણે સરકારને ચારેતરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોની નેગેટિવ પ્રતિક્રીયા સામે આવી હતી. જોકે, સરકારે આ નિર્ણયમાં બદલાવ કરવાનું નક્કી કર્યું છે. વર્ષ ૨૦૨૩ ની સરખામણીમાં હવે માત્ર ૨૫ ટકાનો વધારો અમલી કરાશે.

હવે ચર્ચા છે કે, સૂચિત વધારાને બેઝ રેટ તરીકે ગણીને તેટલો દર હાંસલ કરવા માટે સરકાર શરુઆતના વર્ષોમાં દર વર્ષે ક્રમબદ્ધ રીતે ૨૦થી ૨૫ ટકા જેટલો વધારો કરશે, તે પછી નિયમિત રીતે વાર્ષિક જંત્રી દરમાં ૫થી ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે. આમ, આનંદીબેનના સમયની યોજના ભુપેન્દ્ર પટેલ લાગુ કરશે. જેની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.  એટલે કે, હાલ જંત્રીમાં ભલે ૨૫ ટકાનો વધારો થાય, પરંતું હવે તેમાં દર વર્ષે થોડો થોડો વધારો ઝીંકવામાં આવશે. એકસાથે બંપર વધારો લાગુ નહીં કરાય. પરંતુ એક વખત આ દર સૂચિત વધારા જેટલો થઇ જાય તે પછી દર વર્ષે તેમાં ૫થી ૧૦ ટકાનો વધારો કરાશે. સતત ચારથી પાંચ વર્ષ સુધી ૨૦થી ૨૫ ટકા વધતાં જશે અને નવેમ્બર, ૨૦૨૪માં જાહેર કરાયેલાં સૂચિત દરની બરાબર આવી જાય તે સુનિશ્ચિત કરાશે.

જંત્રીના ભાવમાં બમણો વધારાની જાહેરાત કરીને ગુજરાતભરના બિલ્ડરો ટેન્શનમાં આવી ગયા હતા. જેથી તેઓએ આ વધારાને ઘટાડવા માટે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેઓએ જંત્રીના દરમાં ૫૦ થી ૭૫ ટકા ઘટાડાની જાહેરાત કરી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ પોતાની જમીનોના ભાવ ઊંચા આવે તે માટે સૂચિત દરો કરતા પણ જંત્રી વધારવા સૂચન કર્યા હતા. ત્યારે સરકાર હવે શું નિર્ણય લેશે તે તો સમય અને સંજાગો જ જણાવશે.