રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૬માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલું મહાપાલિકાનું મેગા ડિમોલીશન ઓપરેશન આજે સવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આ ઓપરેશનમાં આજી નદીના પટ અને ૧૫ મીટરના ટીપી રોડ પર ખડકાયેલા કુલ ૧૪૮૯ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. આ કામગીરી દ્વારા અંદાજે ૩૫૦ કરોડની બજાર કિંમત ધરાવતી ૮૮૭૫૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ પોલીસ અધિક્ષક હેતલ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અંદાજે ૨૫૦ જેટલા આલીશાન બંગલા, જેની કિંમત ૧૫ થી ૨૦ લાખથી વધુ હતી અને ૭૫૦ જેટલા ડુપ્લેક્ષ પ્રકારના મકાનો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૨૫૦ જેટલી ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
તા. ૨૩થી શરૂ થયેલા આ ડિમોલીશનમાં કુલ ૧૫૧૨ કર્મચારીઓના ૩૩૨૬૪ માનવ કલાકો અને ૨૬૧ મશીનરીના ૫૭૪૨ કલાકોનો ઉપયોગ થયો છે. ખાસ કરીને નદી પટ્ટમાં આવેલા મજબૂત આરસીસી સ્ટ્રક્ચર તોડવા માટે હિટાચી મશીનોની મદદ લેવી પડી હતી.આ ડિમોલીશન બાદ હવે જંગલેશ્વર, લલુડી વોંકળી અને રુખડિયાપરા જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની સમસ્યામાં મોટી રાહત થશે. નદી પટ્ટ ખુલ્લો થવાથી પાણીનો નિકાલ ઝડપી બનશે અને ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોની અવરજવર માટે ૧૫ મીટરનો રોડ ઉપલબ્ધ થશે. હાલ સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારમાં પતરાની આડશ મારી અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.










































