છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. માનસિક રીતે અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
નસવાડી તાલુકાના એક ગામમાં રહેતી માનસિક રીતે અસ્વસ્થ યુવતીને ગામની બહાર જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ કરવામાં આવ્યું. આ બાબતની જાણ ગામના મહિલા સરપંચના પતિ કે જે પીડિતાનો સગો ભાઈ છે તેને જાણકારી એવી મળી કે ડુંગર ઉપર એક મહિલાની લાશ પડી છે. ગામના લોકો સહિત સરપંચના પતિ જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે નગ્ન અવસ્થામાં મહિલા પડી હતી તે ગામના સરપંચ પતિની બહેન હતી. પીડિતાનો ભાઈએ નજીક જઈ જાતા બહેન જીવિત હતી. તાત્કાલિક સારવાર માટે તેને નસવાડી ખાતે લાવવામાં આવી હતી અને ત્યાંથી તેને રાજપીપળા લઈ જવામાં આવી. ત્યાંના તબીબને પણ મહિલા ગંભીર જણાતા તેને વડોદરા ખાતે ખસેડવામાં આવી જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પીડિતાના પરિવારજનોએ આ ઘટનામાં એકથી વધુ વ્યકિત સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે. પીડિતાના ભાઈએ ગેંગરેપ થયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. બીજી તરફ પોલીસે એક આરોપીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પીડિતના સગા ગેંગરેપનો આરોપ લગાવી રહ્યા છે તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.
જેમ જેમ વિસ્તારમાં જાણ થાય છે તેમ તેમ વિસ્તારમાં આરોપી સામે આક્રોશ વધી રહ્યો છે. આજ રોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ નસવાડી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને અન્ય આરોપીને પકડી પાડી આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામના લોકો પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી ગયા હતા. આખરે પોલીસે ગામ લોકો ને સમજાવ્યા હતા અને જણાવ્યું કે યોગ્ય તપાસ કરવામાં આવશે.









































