સુરતના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજની વર્તમાન સ્થિતિ, કુરિવાજા અને ભવિષ્યના પડકારો અંગે ખુલ્લેઆમ હૈયાવરાળ વ્યક્ત કરી. જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે, “છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે એ સમાજ માટે શરમજનક છે. બહુ મોડું થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે.”
પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે પાટીદાર સમાજ નિર્ણય લેતો અને બીજા સમાજ તેનું અનુસરણ કરતો, પરંતુ આજે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. બીજા સમાજા આગળ વધી ગયા છે અને આપણે હજી વિચારણા જ કરી રહ્યા છીએ. સમાજ પાસે ન કોઈ સ્પષ્ટ નિયમ છે, ન કોઈ બંધારણ – જે અત્યંત ગંભીર બાબત છે.
તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે કેટલાક સમાજાએ સોનાના દાગીના ન આપવા કે સમૂહલગ્ન માટે એક જ તારીખ નક્કી કરવા જેવા કડક સામાજિક નિર્ણયો લઈ લીધા છે. જ્યારે આપણા સમાજમાં જાત-ભાતના વ્યવહારો વધી રહ્યા છે અને સામાજિક પોત ધીમે ધીમે ખોવાઈ રહી છે.
કાર્યક્રમોની અવ્યવસ્થા અંગે ટકોર કરતાં તેમણે કહ્યું કે સમાજના કાર્યક્રમોમાં સમયપાલન નથી રહેતું, જમણવાર શરૂ થતાં જ મંચ ખાલી થઈ જાય છે, જેના કારણે મંચ અને સમાજ – બંનેની ગરિમા ઘટે છે. “સમાજનો કાર્યક્રમ સાયન્ટીફિક રીતે થવો જાઈએ – સમયસર શરૂ અને સમયસર પૂર્ણ,” એવું તેમણે જણાવ્યું.
પુરુષોત્તમ રૂપાલાએ લગ્નપ્રસંગોમાં વધતા ખર્ચ, કેટરિંગ સિસ્ટમથી થતો બગાડ અને સામાજિક શાખ ખોવાઈ જવાની પણ વાત કરી. તેમણે સ્પષ્ટ કહ્યું કે આજની પેઢી દોષિત નથી, પરંતુ વડીલો દીકરા-દીકરીને યોગ્ય રીતે ઘડતા નથી એ મુખ્ય કારણ છે. “બટોગે તો કટોગે” જેવા નારા પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે સંગઠનની સૌથી મોટી જરૂર ઘર અને કુટુંબમાં છે. પેઢીઓ વચ્ચે વધતા અંતરથી સમાજના અસ્તીત્વ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સમૂહલગ્ન બાબતે તેમણે સૂચન કર્યું કે હવે સંખ્યા વધવાને કારણે બાર વર્ષે એક વખત શક્ય ન હોય, પરંતુ દર વર્ષે એક નક્કી તારીખ તો કરી જ શકાય – જેથી લગ્નનો પ્રશ્ન સરળ બને.
પુરુષોત્તમ રૂપાલાએ અંતમાં અપીલ કરી કે સમાજે હવે નવા સમય મુજબ બંધારણ બનાવવું જરૂરી છે. સમાજના તમામ લોકો – નેતા હોય કે સામાન્ય કાર્યકર – એક જ નિયમમાં બંધાય, ત્યારે જ સમાજ આગળ વધે. “મકાનો અને સંસ્થાઓ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો સમય આવી ગયો છે,” એમ કહી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ભાષણનું સમાપન કર્યું.







































