ભાગ – ૪
વહી ગયેલી વાત….
(મલ્હાર નામના યુવાનનું હાઈવે પર ખૂન થઈ જાય છે. મલ્હારને ત્રણ મિત્રો હોય છે મિહિર, નયન અને આશુતોષ. એ દિવસે મલ્હાર સાથે આશુતોષની પત્ની નિર્મલા ત્યાં હાજર હતી. ઈ. ઝાલા નિર્મલાની ધરપકડ કરવા એના ઘેર જાય છે. પણ ત્યાં તો નિર્મલાની જુડવા બહેન મિનાક્ષી પણ હોય છે. પુરાવા એવા મળે છે કે આશુતોષે પત્ની અને મલ્હાર પર શંકા રાખીને મલ્હારને પતાવી દીધો હોય છે. પણ કો. રાઠોડને હજુ દાળમાં કંઈક કાળુ લાગે છે. ઈ. ઝાલા એ વિષયમાં વધુ સંશોધન શરૂ કરે છે. હવે આગળ….)
***
છ મહિના પછીની એક રાત. રવિવારનો દિવસ હતો. એક સ્ત્રી અને એક પુરુષ શહેરની એક આલિશાન હોટેલના કોર્નરના ટેબલ પર બેઠા હતા. ત્યાંજ એક આંધળો માણસ ત્યાંથી ચાલતો ચાલતો પસાર થયો. અચાનક એને ઠેબુ આવી જતા એ નીચે પટકાયો. યુવકે એને ઉભો કર્યો. અને એના ટેબલ સુધી પહોંચાડયો. યુવક પાછો આવીને એના ટેબલ પર બેઠો. સ્ત્રીએ કહ્યું, ‘જલ્દી બોલ શું કામ છે? થોડા દિવસ નથી જાળવી શકતો તું?’
‘છ મહિના થયા ડાર્લિંગ! હવે ક્યાં સુધી આમને આમ કોર્ટના ફેંસલાની રાહ જાયા કરીશું.’
‘બસ, એક વાર આશુતોષને જન્મટીપ લાગી જાય પછી જ આપણે લગ્ન કરી શકીએ. એ પહેલા આ રીતે મળવું પણ ખતરનાક છે. તને ખબર છે ને કે મલ્હારનું ખૂન મેં કર્યુ છે? મહા મુસીબતથી આખો આરોપ આશુતોષ પર નાંખ્યો છે.’ સ્ત્રી ઉભી થઈ ગઈ અને એનુ પર્સ ખભે લટકાવતા ચાલવા લાગી. સ્ત્રી બે ટેબલ આગળ ચાલી ત્યાંજ એ પછડાઈ. પેલા આંધળા માણસે પગ લાંબો કરી એને પાડી દીધી હતી. સ્ત્રીનું મગજ છટકી ગયું, ‘આંધળા દેખાતું નથી? વચ્ચે વચ્ચે પગ નાંખે છે, યુ બાસ્ટર્ડ.’
આંધળા માણસે આંખેથી ચશ્મા અને નકલી દાઢી હટાવતા જવાબ આપ્યો, ‘નિર્મલા મેડમ, દુનિયા જે નથી જાઈ શકતી એ જાવા જ આંધળો બનીને નીકળ્યો છુ. યુ આર અંડર એરેસ્ટ. તમારા અને મિહિરના કાવતરા ખુલ્લા પડી ગયા છે.’ નિર્મલા અને મિહિર અચંબામાં પડી ગયા. સામે ઈ. ઝાલા ઉભા હતા અને રાઠોડ પણ દોડીને આવી ગયો હતો. પોલીસ બંનેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઈ આવી.
રાતના સાડાબાર થયા હતા. પેલી સ્ત્રી અને પુરુષ નજર ઝુકાવીને પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. આશુતોષ પણ ત્યાં જ હતો. હોટેલમાં આંધળા હોવાનો ઢોંગ કરી ઈ. ઝાલા નિર્મલા અને મિહિર બેઠા હતા એ ટેબલે પડ્યા હતા એ વખતે એમણે એક નાનું રેકોર્ડર ટેબલ નીચે મૂકી દીધું હતું. નિર્મલાએ ખૂન ર્ક્યુ હોવાની કબૂલાત એમાં રેકોર્ડ થઈ ગઈ હતી. હવે એમની પાસે ઈન્કાર કરવાનો કોઈ રસ્તો જ નહોતો. આખરે નિર્મલાએ ગુનો કબુલી લીધો કે એ અને મિહિર પ્રેમમાં હતા અને આશુતોષનો કાંટો કાઢવા જ આ બધા નાટકો થયા હતા.
આશુતોષ ભાંગી પડ્યો હતો. પત્નીએ પીઠમાં મારેલા ખંજરથી હતપ્રભ થયેલો એ ચૂપ થઈ ગયો હતો.
બહેનની ધરપકડ થઈ હોવાની માહિતી મળતા જ સવારે નિર્મલાની બહેન મિનાક્ષી પોલીસ સ્ટેશને દોડી આવી. ઈ. ઝાલાએ એને બધી હકિકત કહી ત્યારે એ પણ સ્તબ્ધ થઈ ગઈ. મલ્હારના માતા પિતા પણ પોલીસ સ્ટેશને આવ્યા હતા. બધા જાણવા માંગતા હતા કે આખરે ઈ. ઝાલાએ આ કેસનો ઉકેલ મેળવ્યો કેવી રીતે? સવાલ મલ્હારના પિતાએ જ પૂછ્યો, ‘ઝાલા સાહેબ, તમે જ આશુતોષ ખૂની છે એમ કહીને એની ધરપકડ કરી હતી. તો પછી તમને નિર્મલા પર શક કેવી રીતે ગયો? અમને તો એમ હતું કે આશુતોષની ધરપકડ પછી આ કેસ ફાઈલ થઈ ગયો છે.’
ઈ. ઝાલાએ ગર્વભર્યુ હસીને કહ્યું, ‘પહેલા મને પણ આશુતોષ પર જ શક હતો. મેં આરોપ લગાવ્યો અને એણે કબુલી લીધો. પણ મારુ મન નહોતું માનતું. મલ્હારના અને એના ચાર મિત્રોમાં મલ્હાર અને મિહિર બંને કુંવારા હતા. ઘટના સ્થળે નિર્મલા હોવાનો શક જતા અમે એના અને મલ્હારના સંબંધો જાણવા માટે નિર્મલાના મોબાઈલની કોલ ડિટેઈલ્સ કઢાવી. અમારા આશ્ચર્ય વચ્ચે મલ્હાર અને નિર્મલા વચ્ચે ભાગ્યે જ વાત થઈ હતી. પણ એ ડિટેઈલ્સમાં અમને એક નંબર મળ્યો. એ નંબર મિહિરનો હતો. નિર્મલા અને મિહિર વચ્ચે લગભગ રોજ કલાકો સુધી વાત થતી હતી. મને તરત જ મિહિર પર શક ગયો. તપાસ કરતા ખબર પડી કે નિર્મલા અને મિહિર એકબીજાના પ્રેમમાં છે. પણ એ વાત મેં બધાથી છુપાવી. કારણ કે આશુતોષે ગુનો કબુલ કરી લીધો હતો. જાકે એની ધરપકડ પછી પણ મને તો યકીન જ હતું કે આશુતોષની કબૂલાત પાછળ કંઈક રહસ્ય જરૂર છે. આશુતોષની ધરપકડ બાદ પણ મેં તપાસ ચાલું રાખી. આશુતોષની ઘરપકડ પછી નિર્મલા અને મિહિર બે ત્રણ વખત મળ્યા. મેં આશુતોષને વાત કરી પણ પત્નીના પ્રેમમાં પાગલ એણે વાત ના માની. આખરે મારે નિર્મલા અને મિહિરની કઢંગી તસવીરો બતાવડાવી એને મનાવવો પડ્યો. એ પછી પત્નીની બેવફાઈથી દુઃખી થઈ ગયેલા આશુતોષે બધી જ સાચી વિગતો મને જણાવી દીધી. આશુતોષે કહ્યુ કે, એને તો નિર્મલા અને મલ્હાર પર ક્યારેય શક હતો જ નહીં. પણ હત્યાના થોડા દિવસ પહેલા જ નિર્મલાએ એની કાન ભંભેરણી કરતા કહ્યું કે એ ઘરે નહોતો ત્યારે મલ્હાર ઘરે આવ્યો હતો અને એના પર બળાત્કાર કર્યો છે. અને એ હવે એની બહેન મિનાક્ષીને પણ ફસાવી રહ્યો છે. નિર્મળાની વાત સાંભળી આશુતોષનું મગજ ફાટી ગયું. એ ત્યારે જ મલ્હારને ઘરે જવા ઉપડ્યો. પણ નિર્મળાએ એને રોક્યો. એ પછી નિર્મળાએ એને વિશ્વાસમાં લીધો કે એ મલ્હારને પતાવી દે તો એ એનો સાથ આપશે. આખરે એક દિવસ મલ્હાર જ્યારે મિનાક્ષીને લઈને ફરવા ગયો ત્યારે નિર્મલાએ જ એને પતાવી દીધો અને ઘરે આવી આશુતોષને જાણ કરી. પત્નીના પ્રેમમાં પાગલ આશુતોષે કહી દીધું કે જા પોલીસ આવશે તો એ ગુનો કબુલ કરી લેશે એનો વાળ પણ વાંકો નહીં થવા દે. અને બન્યુ પણ એવું જ અમને જ્યારે શક ગયો ત્યારે આશુતોષે ગુનો કબુલી લીધો. ’
‘પણ … આખરે મારા સાહેબે, નિર્મલાને રંગે હાથ પકડી લીધી.’ રાઠોડે ગર્વ લેતા ઉત્સાહથી કહ્યું,
‘એટલે કે આશુતોષનો કાંટો કાઢવા નિર્મલાએ અમારા દીકરાનો ભોગ લીધો…હે..ભગવાન લોકો કેટલા નીચે પડી ગયા છે..’ મલ્હારની માતાએ રડતા રડતા કહ્યું.
‘ના, સાવ એવું નથી…વાત એમ હતી કે નિર્મલા અને મિહિરના લફરા વિશે મલ્હારને ખબર પડી ગઈ હતી. એણે એક બે વાર નિર્મલા અને મિહિરને સમજાવી જાયા પણ કોઈ સુધર્યા નહીં. આમ મલ્હાર ભવિષ્યમાં એમના માટે જાખમ બની શકે એમ હતો એટલે એમણે એનો અને આશુતોષનો કાંટો એક સાથે કાઢવા માટે આખું કાવતરું કર્યુ હતું.’ ઈ. ઝાલાએ ખુલાસો કર્યો.
આખીયે ઘટના રજૂ કરી ઈ. ઝાલા ત્યાં ઉપસ્થિ ત સૌના ચહેરા સામે જાઈ રહ્યાં હતા. દાટી દીધેલા મડદાની વાસ જેવા ગંધાતા સંબંધોની દુર્ગંધથી સૌને ઉબકા આવી રહ્યાં હતા. સૌ એક પછી એક છુટા પડ્યા.સમાપ્ત