ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ અમરેલી જિલ્લાની ૬ નગરપાલિકાઓ અને ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન અને ૨૮ એપ્રિલના રોજ મતગણતરી થવાની છે. આ દરમિયાન આદર્શ આચારસંહિતાના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ કડક નિયમો લાગુ કર્યા છે. રાજકીય પક્ષો, ઉમેદવારો કે તેમના એજન્ટો રાજકીય અને ચૂંટણી પ્રચારના હેતુ માટે કોઈપણ સરકારી વિશ્રામગૃહ કે ડાક બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં. વળી રાજકીય પક્ષોની બેઠકોને પણ અહીં મંજૂરી મળશે નહીં. કોઈપણ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં અને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા કોઈને રૂમ આપી શકાશે નહીં.
આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમો આગામી ૩૦ એપ્રિલ સુધી લાગુ રહેશે.











































