સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જાબાળા ગામે રહેતી ૨૩ વર્ષીય હેતલ જુવાલિયા નામની યુવતીને ગામના જ એક શખ્સે છરીના ૩૬ ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાખી હતી. આ યુવતી રાણપુરની એક ફેક્ટરીમાં કામ કરવા જતી હતી, ત્યારે જ ગામના બજારમાં તેની હત્યા કરવામાં આવી હતી.પોલીસે આ કેસમાં યુવકના પિતા બચુ વશરામભાઈ લીંબડિયાની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના દીકરા સાથે યુવતીને પ્રેમસંબંધ હતો, જે તેમને મંજૂર નહોતો. યુવતી રોજ ઘરે આવીને ઝઘડા કરતી હોવાથી તે ગુસ્સામાં આવી ગયો હતો અને ૧૫મી નવેમ્બરના રોજ તેણે છરી વડે તેના પર આડેધડ ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધું હતું.મળતી માહિતી મુજબ, મૃતક હેતલ જુવાલિયાને ચાર વર્ષ પહેલાં ગામના અને હાલ આર્મીમાં ફરજ બજાવતા સંજય બચુભાઈ લીંબડિયા સાથે પ્રેમસંબંધ થયો હતો. બંનેએ મૈત્રી કરાર પણ કર્યા હતા અને ત્રણ વર્ષ પહેલાં યુવતીએ એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જાકે, સંજયના પરિવારજનોને આ સંબંધ મંજૂર ન હોવાથી સંજયે બે વર્ષ પહેલાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.જાકે, સંજય પરિણીત હોવા છતાં હેતલ સાથે તેનો પ્રેમસંબંધ ચાલુ રહ્યો હતો. આ વાતની જાણ સંજયની પત્નીને થતાં બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. સંજયે હેતલને સાથે રાખવાની વાત કરી હોવા છતાં તે આર્મીમાં નોકરી પર જતો રહ્યો હતો. આ સંબંધ સંજયના પરિવારજનોને મંજૂર ન હોવાથી તેના પિતા બચુ લીંબડિયા અવારનવાર હેતલને ‘મારા દીકરાને મૂકી દે, નહિતર જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપતા હતા.યુવકના પરિવારજનો હેતલને સ્વીકારવા તૈયાર ન હોવાથી તે તેની માતા સાથે જ રહેતી હતી અને નોકરી કરતી હતી. તા. ૧૫મીના રોજ સવારે તે રાણપુર નોકરીએ જવા નીકળી ત્યારે ગામના બજારમાં જ યુવકના પિતાએ છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.પોલીસે લાશને પીએમ માટે મોકલી હત્યાની ફરિયાદ નોંધી હતી અને યુવકના પિતા બચુ લીંબડિયાને ઝડપી લીધા હતા.








































