એક જંગલમાં ‘ચીકુ’ નામનો નાનો અને રમતિયાળ હાથી રહેતો હતો. ચીકુને આકાશમાં ઊડતાં પક્ષીઓ જોવાં બહુ ગમતાં. તે ઊંચે ઊડતાં પંખીઓને જોઈને વિચારતો, ‘વાહ! પક્ષીઓ તો કેવાં મજાથી ઊડે છે! મારે પણ એમની જેમ વાદળાં સુધી પહોંચવું છે; વાદળાંને અડવું છે.’
તેણે ઊડવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. તે ક્યારેક મોટા પાંદડા પકડીને કૂદતો, તો ક્યારેક કાન ફફડાવતો. પણ ચીકુ તો મોટો અને ભારે હતો, એટલે તે ઊડી શકતો નહીં. બીજા હાથીઓ તેને જોઈને હસતા અને કહેતા, ‘અરે ચીકુ, હાથી તો જમીન પર ચાલે, ઊડે થોડો?’
તેને ઊડવું હતું. ઊંચે જઈ વાદળાં સાથે રમવું હતું. પણ તે ઊડી શકતો નહોતો. માટે તે ઉદાસ થઈને બેઠો હતો. ત્યારે જંગલના સૌથી ઘરડા કાચબાદાદા આવ્યા. તેમણે કહ્યું, ‘બેટા ચીકુ, ઉદાસ ન થા! જો તારે ઊડવું હોય, તો તારે મનથી મક્કમ થવું પડશે. કોઈ ઉપાય વિચારવો પડશે. તારા મિત્રોની મદદ લેવી પડશે. તું તારા મિત્રોને બોલાવ, તેઓ તને જરૂર મદદ કરશે.’
કાચબાદાદાની વાત સાંભળી ચીકુ રાજીરાજી થઈ ગયો. એને થયું, ‘કાચબાદાદાની વાત તો સાચી છે. મારા મિત્રો મને જરૂર મદદ કરશે. કોઈ તો રસ્તો કાઢશે ને હું ઊંચે આકાશમાં ઊડી શકીશ.’ આમ વિચારી ચીકુ આનંદિત અને રોમાંચિત થઈ ગયો.
ચીકુએ તેના બધા મિત્રોને બોલાવ્યાં અને પોતાની ઈચ્છા રજૂ કરી. બધાં મિત્રો એક સાથે બોલ્યાં, ‘અરે ચીકુ, તુ જરાય ચિંતા ન કરીશ. અમે બધા જરૂર કોઈને કોઈ ઉપાય કરીશું અને તારી મદદ કરીશું. અને ચીકુ, તું જોજે તો ખરો, એક દિવસ તું જરૂર આકાશમાં ઊડીશ!’ એમ કહી બધાં કામે વળગ્યાં.
ચકી અને પોપટ ઘણાં બધાં સુંદર પીંછા લાવ્યા. વાંદરાભાઈ મજબૂત વેલા અને દોરીઓ લાવ્યા. સસલાભાઈ નરમ નરમ રૂ અને મોટા પાંદડાં લાવ્યા. બધાંએ મળીને એક મોટો અને રંગબેરંગી ફુગ્ગો બનાવ્યો. ફુગ્ગામાં ગૅસ ભર્યો. પછી વાંદરાભાઈએ એ ફુગ્ગો ચીકુની પીઠ પર મજબૂત રીતે બાંધી દીધો.
થોડીવારમાં ચીકુના પગ જમીન પરથી ઊંચા થયા! ચીકુ ધીમે ધીમે હવામાં ઉપર જવા લાગ્યો.
‘જુઓ, હું ઊડું છું! હું ઊડું છું!’ ચીકુ ખુશીથી બૂમો પાડવા લાગ્યો. પક્ષીઓ પણ તેની સાથે સાથે ઊડવા લાગ્યાં. જંગલ, પર્વત, નદી, ખેતર આ બધું જોતાં જોતાં તે ઊંચે ઊંચે આકાશમાં જતો હતો. ચીકુ છેક વાદળોની વચ્ચે પહોંચી ગયો. તે વાદળાંની વચ્ચે ફરવા ને રમવા લાગ્યો. વાદળાં સાથે રમવાનું તેનું સ્વપ્ન પૂરું થયું. તેને બહુ મજા પડી!
સાંજ પડી ત્યારે મિત્રોએ તેને ધીમેથી નીચે ઉતાર્યો. ચીકુ હવે બહુ ખુશ હતો. mo. ૯૦૯૯૧૭૨૧૭૭









































