અમરેલી જિલ્લાના ચિતલ ગામે તસ્કરોએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગામના ખોડીયારનગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી એક કિંમતી મોટરસાયકલની અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.મળતી માહિતી મુજબ, બાબરાની મીયા ખીજડીયા ગામના પાર્થભાઇ કનુભાઇ ભેસાણીયા (ઉ.વ.૨૬) પોતાની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-14-BJ-0502) ચિતલ ગામે ખોડીયારનગર વિસ્તારમાં આવેલ તેમના સસરાના રહેણાંક મકાનના ડેલા પાસે પાર્ક કરી હતી. આ મોટરસાયકલની અંદાજિત કિંમત રૂ. ૮૫,૦૦૦ હતી.ચોરીની આ ઘટના ગત તા. ૨૫/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રિના નવ વાગ્યાથી સાડા દસ વાગ્યાના મધ્યમાં બની હતી. માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં કોઈ અજાણ્યો ચોર ઇસમ મોટરસાયકલની ઉઠાંતરી કરી ગયો હતો. ફરિયાદીએ જ્યારે બહાર આવીને જોયું ત્યારે બાઇક ગુમ જણાતા આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.આ અંગે ફરિયાદીએ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રહેણાંક વિસ્તારમાંથી જ થયેલી આ ચોરીને પગલે સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તસ્કર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.









































