પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં એક જ પરિવારના ૪ સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પ્રિયાબેન અને તેમના પતિ વિમલભાઈ, સસરા બળદેવભાઈ અને સાસુ કમુબેન સામેલ છે. તમામને પહેલા ચાણસ્મા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં પરિવારના તમામ લોકો સારવાર હેઠળ છે. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રિયાબેન નારાયણસિંહ પરમાર (ઉંમર ૧૯)એ ચાણસ્મા પોલીસ મથકે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં વદનસિંહ વાઘેલા , પ્રવિણસિંહ મુળસિંહ ઝાલા અને ભાવસિંહ રતનસંગ ઝાલાનો સમાવેશ થાય છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, પ્રિયાબેને લગભગ ૨૫ દિવસ પહેલા વિમલભાઈ બળદેવભાઈ રાવળ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેઓ વડાવલી ગામમાં રહેતા હતા. આરોપી વદનસિંહ વાઘેલાએ પ્રિયાબેનના સસરાને વારંવાર ફોન કરી પ્રિયાબેનને તેના પિયર પાછી મોકલવા દબાણ કરતા હતા. વદનસિંહના કહેવાથી આરોપી પ્રવિણસિંહ અને ભાવસિંહ ઝાલા પ્રિયાબેનના ઘરે ગયા હતા. તેમણે જ્ઞાતિનો ઉલ્લેખ કરી ધમકી આપી હતી કે જો પ્રિયાબેનને પરત નહીં મોકલે તો તેમને જીવતા નહીં છોડે. આ સતત દબાણ અને ધમકીથી કંટાળીને, ગઈકાલે બપોરે લગભગ દોઢ વાગ્યે પ્રિયાબેન, તેમના પતિ, સસરા અને સાસુએ નિંદામણ નાશ કરવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ ઉલટીઓ થતાં પરિવારજનોએ બુમાબુમ કરી હતી. તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.