ચલાલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ, નવ નિયુક્ત પ્રમુખ નયનાબહેન વનરાજભાઈ વાળા દ્વારા બોલાવવામાં આવેલી પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. સવારે ૧૦ઃ૩૦ કલાકે નગરપાલિકાના મુખ્ય સભાખંડમાં આ સભા યોજાઈ હતી, સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના કુલ ૨૪ સભ્યોમાંથી માત્ર ૧૪ સભ્યો જ હાજર રહ્યા હતા, જ્યારે ૧૦ સભ્યોની ગેરહાજરીએ લોકોમાં આશ્ચર્ય અને ચર્ચા જગાવી હતી. શહેરના લોકોમાં એવી ચર્ચા છે કે, ધારાસભ્ય દ્વારા પ્રમુખની પસંદગી તેમની અપેક્ષા મુજબ ન થતાં કેટલાક સભ્યો નારાજ થયા હતા અને તેથી જ તેઓ સભામાં ગેરહાજર રહ્યા હતા. વધુમાં, શહેરીજનોની અપેક્ષા મુજબ એજન્ડામાં શહેરના વિકાસ માટે કોઈ નવા આયોજનો કે મુદ્દાઓનો સમાવેશ ન થતાં લોકોમાં નિરાશા જોવા મળી હતી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં, શહેરની સુખાકારી માટે કોઈ નક્કર ચર્ચા ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જો કે, હાજર રહેલા ૧૪ સભ્યોએ વર્ષ ૨૦૨૫-૨૬નું ૧૬ કરોડ રૂપિયાનું પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે પસાર કર્યું હતું.