ચલાલામાં PGVCL અને પોલીસની ટીમે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે વીજ જોડાણ વપરાશકારો ઉપર ધોંસ બોલાવી હતી. આ સંયુક્ત ટીમે ગેરકાયદે વીજ જોડાણ કરી ગુનાઈત પ્રવૃત્તિ કરનારા સામે લાલ આંખ કરી અધધ દંડ વસુલ્યો હતો. ચલાલા PGVCL નાયબ ઇજનેર એસ.ટી. ગોરસીયા, નાયબ ઇજનેર જે.વી. પટેલ, જુનિયર ઇજનેર પી.આઇ. રાઠવા, લાઇનમેન બી. એચ. ભટ્ટ સહિતના સ્ટાફે માથાભારે ઇસમ મુકેશભાઇ મોતીભાઇ બેદરીયા, ઈન્દુબહેન ધનજીભાઇ પરસુડા અને નારણભાઇ હાદાભાઇ ખેતરીયાને ત્યાંથી ગેરકાયદે વીજ જોડાણો ઝડપી મીટર અને સર્વિસ કેબલ ઉતારી ત્રણેય ઇસમો સાથે કાર્યવાહી કરીને અંદાજે દોઢ લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આ તકે પોલીસ ઇન્સ્પેક્ટર વસૈયાએ ટીમ સાથે કડક બંદોબસ્ત રાખ્યો હતો. આ કાર્યવાહીથી ગેરકાયદે વીજ જોડાણ વપરાશકારો અને અસમાજિક તત્વોમાં ફડફડાટ ફેલાયો છે. ઇન્સપેક્ટર વસૈયાએ જણાવેલ છે કે, હવે ચલાલા પંથકમાં જે અસમાજિક તત્વો એ ગેરકાયદે દબાણો કરેલ છે તેની સામે કડક કાર્યવાહી કરાશે.