દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં આવેલા ઘેડ વિસ્તારમાં વર્ષોથી ખેડૂતો પાણીની તંગી, ખારાશ અને સિંચાઈની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.આ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષમાં ખારાશનું વિસ્તરણ ૨૫ હજાર હેક્ટરથી વધીને ૧ લાખ ૨૫ હજાર હેક્ટર સુધી પહોંચી ગયું છે, જેના કારણે ખેતી અને જીવનધોરણ પર ગંભીર અસર પડી રહી છે.આ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સિંચાઈ મંત્રીને તાત્કાલિક પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે કે ફેબ્રુઆરી ૨૦૨૫ના બજેટ સત્રમાં ઘેડ વિસ્તારના વિકાસ માટે ૧૫૦૦ કરોડ + ૩૦૦ કરોડ એટલે કુલ ૧૮૦૦ કરોડની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષ પછી પણ માત્ર સૈદ્ધાંતિક મંજૂરી જ મળી છે. વહીવટી મંજૂરી હજુ સુધી નથી મળી, જેના કારણે કોઈ વાસ્તવિક કામગીરી શરૂ થઈ નથી.
પત્રમાં પાલભાઈએ સરકારની નીતિ અને નિયત પર સીધા પ્રશ્નો ઉઠાવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં ૧૫૦૦ કરોડની જાહેરાત થઈ, પરંતુ ૧૧ મહિના પછી પણ વહીવટી મંજૂરી નથી મળી. આટલા સમયમાં કામ પૂરું ક્યારે થશે? ઘેડ વિસ્તારમાં કામ કરવાનો સૌથી અનુકૂળ સમય ડિસેમ્બરથી મે મહિનો છે. હવે જાન્યુઆરી ૨૦૨૬ ચાલી રહ્યો છે, તો વહીવટી મંજૂરી ન મળે તો આ વર્ષે પણ કામ શરૂ થશે કે નહીં?શું સરકારની યોજના એવી છે કે માર્ચમાં મંજૂરી, એપ્રિલમાં ટેન્ડર, જૂનમાં ૫ દિવસ કામ ચાલુ કરીને ચોમાસામાં બિલ પાસ કરી દેવું?સરકાર માત્ર જાહેરાત અને પ્રેસ કોન્ફરન્સ માટે જ રકમ ફાળવે છે કે વાસ્તવિક વિકાસ કરવાનો ઈરાદો છે?શું સરકાર ઘેડના વિકાસના નામે માત્ર નદી-કેનાલમાં જંગલ કટિંગ, ચેકડેમ તોડવા-બનાવવા જેવા ભ્રષ્ટાચારના કામો કરીને બજેટ પૂરું કરવા માગે છે?
પાલભાઈએ યાદ અપાવ્યું કે ૨૦૨૪માં ગુજરાત કિસાન કોંગ્રેસે ઘેડ વિસ્તારમાં ગામેગામ મોરચો માંડ્યો હતો. જૂનાગઢ કલેક્ટર, કુતિયાણા પ્રાંત અધિકારી અને દ્વારકા કલેક્ટરને રજૂઆત કરી હતી. બામણાસા ગામે ‘ખેડૂત મહાપંચાયત’ પણ યોજાઈ હતી. તે પછી જ બજેટમાં ૧૫૦૦ કરોડની જોગવાઈ થઈ હતી.૨૯ જુલાઈ ૨૦૨૪ના પત્રનો જવાબ ૧૭ ડિસેમ્બર ૨૦૨૫એ મળ્યો એટલે દોઢ વર્ષ પછી.અન્ય ઘણા પત્રોનો આજદિન સુધી કોઈ જવાબ નથી મળ્યો.પાલ આંબલિયાએ નમ્રતાથી માંગ કરી છે કે તાત્કાલિક વહીવટી મંજૂરી આપીને કામગીરી શરૂ કરવામાં આવે, કારણ કે હાલનો સમય જ કામ માટે અનુકૂળ છે.આ પત્રની નકલ કાર્યપાલક ઈજનેર, જૂનાગઢ સિંચાઈ વિભાગને પણ મોકલવામાં આવી છે.



































