ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યા છે. તેમની કંપની અદાણી રિયલ્ટી નવી મુંબઈમાં ૧,૦૦૦ એકર જમીન પર એક મોટો ટાઉનશિપ પ્રોજેક્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનશીપ પ્રોજેક્ટ હશે.
રિપોર્ટ્‌સ અનુસાર, આ પ્રોજેક્ટ ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ કરતા લગભગ બમણો મોટો હશે. તે જ સમયે, અદાણીની કંપની એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, ધારાવીનો પણ પુનર્વિકાસ કરી રહી છે. આ પ્રોજેક્ટ પણ ૬૦૦ એકરમાં ફેલાયેલો છે. આ સાથે, અદાણી ગ્રુપ નવી મુંબઈમાં એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બનાવી રહ્યું છે.
અદાણી ગ્રુપે વર્ષ ૨૦૧૦ માં રિયલ એસ્ટેટ કંપનીમાં પ્રવેશ કર્યો હતો. ગ્રુપે અમદાવાદના શાંતિગ્રામમાં ૫,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ૬૦૦ એકર જમીન પર એક પ્રોજેક્ટ વિકસાવ્યો હતો. જે તે સમયે શહેરનો સૌથી મોટો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હતો. પનવેલમાં નવી મુંબઈ ટાઉનશીપ ૧,૦૦૦ થી ૧,૧૦૦ એકરમાં ફેલાયેલી હશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સેલ્સ ઓફિસ તૈયાર છે. એરપોર્ટના ઉદ્ઘાટન પછી જ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
અદાણી રિયલ્ટીના વ્યવસાય વિશે વાત કરીએ તો, મુંબઈ ઉપરાંત, કંપની અમદાવાદ, પુણે અને દિલ્હી-એનસીઆરમાં પણ ઘણા પ્રોજેક્ટ્‌સ વિકસાવી રહી છે. માર્ચમાં, અદાણી પ્રોપર્ટીઝે મુંબઈના ગોરેગાંવમાં મોતીલાલ નગરના પુનર્વિકાસ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. તેની કિંમત પણ લગભગ ૩૬ હજાર કરોડ રૂપિયા હતી. એ જ રીતે, એપ્રિલમાં, અદાણી ગ્રુપની એક સહયોગી કંપનીએ દક્ષિણ મુંબઈમાં ૧.૧ એકરનો પ્લોટ ૧૭૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે, મુંબઈને ટૂંક સમયમાં બીજું એરપોર્ટ મળવાનું છે જેનું નિર્માણ અદાણી ગ્રુપ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. આ એરપોર્ટ નવી મુંબઈમાં બની રહ્યું છે. જૂન મહિનામાં ફ્લાઇટ કામગીરી શરૂ થવાની અપેક્ષા છે.