ગોપાલગ્રામના પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની પૂ. ભક્તિબા અને પૂ. દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈનાં અમેરિકાસ્થિત પુત્ર ડા. બારીન્દ્રભાઈ દેસાઈનાં ૯૫ વર્ષ પૂર્ણ થતાં તેમના જન્મ દિને ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામમાં અભ્યાસ કરતાં સૌ વિદ્યાર્થીઓને કોઠી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાલવાટિકા તથા કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ૧૮૧ વિદ્યાર્થીઓને લખવા માટેના રાઈટિંગ પેડનું વિતરણ કરાયું હતું. આ તકે ટ્રસ્ટનાં સેક્રેટરી કિર્તીકુમાર ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ, પ્રમુખ શંભુભાઈ વાડદોરિયાએ રાજવી પરિવારના ત્યાગ અને શિક્ષણપ્રેમની વાતો કહી હતી, ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ ૯૫ વર્ષીય પ્રિન્સ ડા. દેસાઈ સાહેબ નિરામય સ્વાસ્થ્ય સાથે શતાયુ થાય એવી પ્રાર્થના કરી હતી. દરબારગઢ ખાતે સાદગીપૂર્ણ રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ ગૌતમભાઈ વાળા, ચુનીભાઈ ગજેરા, રમણિકભાઈ ઠુંમર, દેવરાજભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડા. દેસાઈ પરિવારે તાજેતરમાં વતનની મુલાકાત લીધી હતી.