લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે શુક્રવારના રોજ વહેલી સવારે ૪ઃ૦૦ વાગ્યાના અરસામાં સિંહ, સિંહણ અને એક બચ્ચાએ ગામમાં ધામા નાખ્યા હતા. સિંહ પરિવારે રસિકભાઈ પુંજાભાઈ ભરવાડની જોકમાંથી એક ગાભણી ગાયને ઢસડી જઈ, હનુમાનજી મંદિર પાસે તેનું મારણ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓના મારણની ઘટનાઓ વધી રહી છે. માલધારીઓ જીવના જોખમે રાતવાસો કરી પશુઓનું રક્ષણ કરે છે, છતાં થોડા સમયમાં ૫ થી ૬ ગાયોના શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










































