ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક તેમજ રેકોર્ડબ્રેક અંદાજે ૧.૭૫ લાખ કટ્ટાથી વધુ આવક નોંધાઈ હતી. યાર્ડની બાજુમાં આવેલ પાર્કિંગના મેદાનો ચણા ભરેલ વાહનોથી ખચોખચ ભરાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરાત્રીના ચણાની આવક શરૂ કરાતા ગોંડલ યાર્ડના મેદાન ચણા અને ધાણાની જણસીથી ઉભરાયા હતા. ગોંડલ યાર્ડની બહાર નેશનલ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલુ હોય યાર્ડની બહાર વિવિધ જણસીઓની લાંબી કતાર લાગી જવા પામી હોય અને હાઇવે પર અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ભાડે રાખી જણસી ભરેલ વાહનો ત્યાં રાખવામાં આવે છે. ગતરોજ યાર્ડના પાર્કિંગમાં ચણાના ૨૦૦૦ થી વધુ વાહનોની નોંધણી થવા પામી હતી. ચણાની આવક શરૂ કરાતા ૧૧૦૦ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે હજુપણ ૮૦૦થી વધુ વાહનો યાર્ડની બહાર આવેલ પાર્કિંગમાં હોય તેનો આજરોજ દિવસ દરમ્યાન સમાવેશ કરવામાં આવશે.