ગોંડલના પાંજરાપોળ પુલ પાસે સ્થિત પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહના સમાધી સ્મારક સામે કચરો અને ગંદકીના ઢગલા જમા થતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે મહિલા નેતા જીગીશાબેન પટેલ સ્થળ પર દોડી જઈ “ગોંડલ ભાજપનો ગંધાતો વિકાસ” જેવા બેનરો સાથે નગરપાલિકા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિસ્તાર વોર્ડ નં. ૧૦માં આવે છે અને અહીંના ચૂંટાયેલા સભ્ય અશ્વિનભાઈ રૈયાણી હાલ નગરપાલિકાના પ્રમુખ છે, તેથી આ પરિસ્થિતિ શરમજનક છે.જીગીશાબેને આક્ષેપ કર્યો કે શહેરની સફાઈ માટે જામનગરની જાનવી કન્સ્ટ્રક્શન કંપનીને દર મહિને અંદાજે ૪૨ લાખ રૂપિયાનું ચુકવણું થાય છે, છતાં શહેરમાં ગંદકી યથાવત છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સફાઈના નાણા ક્યાં વપરાય છે? સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી.









































