ગોંડલ શહેર અને પંથકમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર પછી આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેરમાં માત્ર વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે રિબડા અને શાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.મોડી રાત્રે ગોંડલ શહેર અને પંથકમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ફરી એકવાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો. જો કે, વરસાદ અને પવનના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી હતી.રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ ગોંડલ શહેર અને પંથકના ખેડૂતો પણ આ કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. તલ, મગફળી, ડુંગળી, મગ અને અડદ જેવા ઉનાળુ પાકોને આ વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જગતના તાત ગણાતા ખેડૂતો હવે પોતાના પાકને બચાવવા માટે ચિંતામાં ડૂબી ગયા છે.