ગોંડલ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે આવેલા રમાનાથધામ મંદિર ખાતે આસ્થાના ત્રિવેણી સંગમ સમાન ૧૨મા પાટોત્સવનો પ્રારંભ થયો છે. આદ્યશક્તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિમાં દર વર્ષે યોજાતા આ પાટોત્સવમાં આ વર્ષે ૧૧ યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૨૧ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને ૧૧ યજમાનો પૂજામાં જોડાયા છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે સ્મૃતિ મંદિરે પ્રાતઃ પૂજન, દેહ શુદ્ધિ, મંડપ પ્રવેશ અને શતચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે. ૩૧ જાન્યુઆરી, શનિવારે દ્વિતીય દિવસે સૂર્ય અધ્યૅ પૂજન અને પ્રધાન હોમ યોજાશે. જ્યારે ૧ ફેબ્રુઆરી, રવિવારે તૃતીય દિવસે સવારે ૧૦ઃ૩૦ કલાકે અન્નકોટ દર્શન અને ધ્વજારોહણ (૫૨ ગજની ધજા) કરવામાં આવશે. સાંજે ૫ઃ૦૦ કલાકે બીડું હોમાશે અને ૫ઃ૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન છે. ધાર્મિક વિધિની સાથે લોક સંસ્કૃતિને જીવંત રાખવા શુક્રવાર અને શનિવારની રાત્રે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ દરમિયાન ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમની શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય શાસ્ત્રી હિમાંશુભાઈ ચંપકલાલ દ્વારા સંપન્ન કરાવવામાં આવી રહી છે.










































