ગોંડલ શહેરમાં જેતપુર રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અને ગુંદાળા ફાટક પાસે આશરે ૧૦ વર્ષથી ખોડિયાર ફેબ્રિકેશન નામની દુકાન ધરાવતા ૩૦ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઘોઘાવદર અને હાલ ગોંડલ જેતપુર રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો ઘનશ્યામ દિલીપભાઈ રૂપારેલીયા (ઉંમર ૩૦ વર્ષ) નામનો યુવાન રાત્રે પોતાના રૂમમાં સુવા ગયો હતો. વહેલી સવારે આશરે ૫ વાગ્યે માતા તેને જગાડવા ગયા હતા અને નાહવા જવાનું કહી નીચે જતા રહ્યા હતા. ત્યારબાદ આશરે ૨ કલાક બાદ પણ ઘનશ્યામ નીચે ન આવતા માતા ફરીથી ઉપરના રૂમમાં તપાસ કરવા ગયા હતા. ત્યાં જોયું તો યુવાન પંખા સાથે કમર બેલ્ટ (પટ્ટા) વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. દ્રશ્ય જોઈ માતાએ ચીસાચીસ કરતા પરિવારના અન્ય સભ્યો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતક યુવાનના પિતા કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
મૃતક યુવાન પરિવારનો એકનો એક પુત્ર અને ઘરનો આધારસ્તંભ હતો, ત્યારે અચાનક યુવાને આપઘાત કરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલ ગોંડલ બી ડિવિઝન પોલીસે યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.









































