સુપ્રીમ કોર્ટે હરિયાણામાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં અપનાવવામાં આવેલા અસંવેદનશીલ અભિગમ પર નારાજગી વ્યક્ત કરી છે. હરિયાણા પોલીસ અને તેની બાળ કલ્યાણ સમિતિની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું, “એ શરમજનક છે કે હરિયાણા પોલીસે ત્રણ વર્ષની બળાત્કાર પીડિતાને રૂબરૂ મળવાને બદલે પોલીસ સ્ટેશન બોલાવી. સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને શક્્ય તેટલી વહેલી તકે એસઆઇટીને સૂચિત કરવાનો નિર્દેશ આપ્યો છે અને ગુરુગ્રામ પોલીસને ગુરુવાર સુધીમાં એસઆઇટીને તપાસ સંબંધિત દસ્તાવેજા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેસની તપાસમાં બેદરકારી દાખવવાના આરોપમાં ગુરુગ્રામ પોલીસ અધિકારીઓને કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જાઈએ. સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામ બાળ કલ્યાણ સમિતિના સભ્યોને પણ કારણ બતાવો નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. તેમને પૂછવામાં આવ્યું છે કે તેમને તેમના પદ પરથી કેમ ન હટાવવા જાઈએ. સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામ જિલ્લા ન્યાયાધીશને આ કેસની સુનાવણી પોસ્કો કોર્ટના વરિષ્ઠ મહિલા ન્યાયિક અધિકારીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ૨૩ માર્ચે અગાઉની સુનાવણી દરમિયાન પણ કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે ગુરુગ્રામ પોલીસ કમિશનરને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.