ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પંચમહાલની ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે. આ કેસમાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જાઈ હુમલો કરનાર પતિને ‘હત્યા’ નહીં, પરંતુ ‘સાપરાધ મનુષ્યવધ’ માટે દોષિત ઠેરવી ૫ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ મામલો વર્ષ ૧૯૯૭ની એક રાતનો છે. પંચમહાલ જિલ્લામાં સરકારી ક્વાર્ટરમાં રહેતો આરોપી પતિ રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે ઘરે પરત આવ્યો હતો. ઘરે પહોંચતા જ તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જાઈ હતી. પત્નીના આ કૃત્યથી પતિએ પિત્તો ગુમાવ્યો હતો.વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પત્નીએ પતિને જ ધમકી આપી કે જા તે તેમની વચ્ચે આવશે તો તેને જીવવા નહીં દે. આ ગરમાગરમીમાં પતિએ આવેશમાં આવી પત્નીનું માથું દીવાલ સાથે પછડાવ્યું અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.
આરોપી પતિએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેણે ‘સ્વબચાવ’માં હુમલો કર્યો હતો, જાકે હાઈકોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટે તમામ પાસાઓની ચકાસણી કરીને જ આરોપીને સાપરાધ મનુષ્યવધ હેઠળ સજા આપી છે, જે યોગ્ય છે. આવેશમાં લેવાયેલા આ પગલા અંગે કોર્ટે માન્યું કે પતિએ પત્નીને કઢંગી હાલતમાં જાતા અચાનક ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું, જેથી કોર્ટે તેને હત્યાની કલમ ૩૦૨ માંથી રાહત આપી હતી, પરંતુ માનવવધના ગુનામાં તેની સજા યથાવત રાખી છે.










































