ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દહેગામ ખાતે મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે જનતાના હક્ક અધિકારની લડાઈને બુલંદ કરવા “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જનતાના આક્રોશને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરાયું હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું.સભામાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ૩ દાયકાથી શાસન કરતી ભાજપની સરકાર દરેક મોર્ચે નિષ્ફળ નીવડી છે. તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવ અને અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે આજે દરેક વ્યક્તિ દુઃખ અને આક્રોશમાં છે. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી ચારે તરફ વધી છે.કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે, ધંધા-વ્યાપાર ચોપટ થઈ રહ્યા છે. દારૂ અને ડ્રગ્સની બદી વધી રહી છે. યુવાઓને રોજગાર જાઈએ, પણ તેની જગ્યાએ પેપર લીક અને ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે. તમામ લોકોની તકલીફોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાઓ દ્વારા લોકોના અવાજને બુલંદ કરવાનો સંકલ્પ કર્યો છે. આજ દહેગામથી એની શુભ શરૂઆત કરવામાં આવી છે.“વોટચોરોને ખુલ્લા પાડવા અને મતના અધિકારની રક્ષા માટેનું આ અભિયાન ઘર ઘર સુધી લઈ જઈ સફળ બનાવાશે આજે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, રસ્તામાં ખાડા નહિ પરંતુ આખી સરકાર ખાડે ગઈ છે. લોકોના આક્રોશને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકો વચ્ચે જઈ સરકાર સામે જનઆંદોલન ઊભું કરશે.” એમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક,સીએસપી લીડર ડો.તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, સીડબ્લ્યુસી સભ્ય જગદીશભાઈ ઠાકોર, સહપ્રભારી સુભાષીની યાદવ, સહપ્રભારી રામકીશન ઓઝા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.










































