ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ થોડા દિવસથી શિયાળો જામ્યો છે. ગુજરાતમાં આગામી સાત દિવસ ઠંડી હજી વધશે કે ઓછી થશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.

ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો કહેર છવાયેલો છે, જ્યાં પશ્ચિમી વિક્ષેપ અને જેટ સ્ટ્રીમના પ્રભાવને કારણે તાપમાન શૂન્યથી નીચે રહે છે. આગામી બે દિવસમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં પણ થોડો ઘટાડો જોવા મળશે. જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. ત્યારે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં ઠંડીનું મોજું ચાલુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને સક્રિય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહને કારણે ઉત્તર ભારતના મોટા ભાગના ભાગો ઠંડી, કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં આવી રહ્યા છે.

ગુજરાતના પાડોશી રાજ્યમાં પણ ઠંડીએ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતની ઠંડી અંગેની આજની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ એટલે ૧૪મી જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સૌથી નીચું ૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં ૧૪.૪ ડિગ્રી, અમરેલીમાં ૧૧.૬ ડિગ્રી, ભુજમાં ૧૦, ગાંધીનગરમાં ૧૩.૪, સુરતમાં ૧૫.૮, રાજકોટમાં ૧૦.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે રહ્યું હતું; બાકીના પ્રદેશમાં સામાન્ય રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના પૂર્વીય વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આ સિસ્ટમ પછી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીને પાર કરશે, જેના કારણે ગુરુવારથી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બંને સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે ૩૫-૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.