ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે “ગુજરાત કલીનિકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન બિલ” વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે.

આ વિધેયક હેઠળ હવે રાજ્યની દરેક હોસ્પિટલ અને કલીનિકલ એસ્ટાબ્લીશમેન્ટ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સરકારનો હેતુ એ છે કે રાજ્યમાં ચાલી રહેલી તમામ આરોગ્ય સેવાઓની ચોક્કસ માહિતી સરકાર પાસે ઉપલબ્ધ રહે અને દર્દીઓને પારદર્શક સેવાઓ મળી શકે.

આ કાયદો મૂળ ૨૦૨૨માં અમલી બન્યો હતો, પરંતુ અત્યાર સુધી માત્ર આશરે ૪૧ હજાર હોસ્પિટલ અને કલીનિક્સે જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે નવા સુધારા સાથે બાકીના તમામ એકમોને પણ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત બનાવાયું છે.

નવા નિયમો મુજબ, દરેક હોસ્પિટલને પોતાનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવો પડશે. આથી લેભાગુ તત્વો અને બોગસ કલીનિક્સની ઓળખ સરળ બનશે અને સામાન્ય નાગરિકો પણ સાવચેત રહી શકશે.

સરકારે એક સરળ ઓનલાઇન પોર્ટલ પણ તૈયાર કર્યો છે, જ્યાં હોસ્પિટલ પોતાની માહિતી અપલોડ કરી શકશે. આ પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસ સાથે સરકાર વધુ હોસ્પિટલ ને સિસ્ટમમાં લાવવા માંગે છે.

આ વિધેયકમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ હોસ્પિટલ અથવા કલીનિક રજીસ્ટ્રેશન નહીં કરે, તો તેના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, રજીસ્ટ્રેશન માટેની સમય મર્યાદા વધારીને હવે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.

બોગસ તબીબોના મુદ્દે પણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, રાજ્યમાં ખોટી રીતે પ્રેક્ટીસ કરતા તબીબો સામે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રેડ ચલાવવામાં આવી રહી છે. આવા ગેરકાયદેસર પ્રેક્ટીસને રોકવા માટે જ આ કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો છે. સરકાર હવે આગામી સમયમાં વિશેષ ડ્રાઈવ ચલાવી તમામ હોસ્પિટલ અને કલીનિક્સનું રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરશે અને બોગસ તબીબો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.