રાજ્યમાં રાજકીય દાન અંગે તાજેતરમાં બહાર આવેલા આંકડાઓએ રાજકારણમાં નાણાકીય અસમાનતાની સ્પષ્ટ ઝાંખી આપી છે. અહેવાલ મુજબ રાજ્યમાં મોટાભાગનું દાન એકતરફી રીતે સત્તાધારી પક્ષ તરફ વળ્યું છે, જ્યારે અન્ય પક્ષો પાછળ રહી ગયા છે.
એડીઆર દ્વારા જાહેર થયેલા અહેવાલ મુજબ, રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોને કુલ અંદાજે ૩૦૮ કરોડ જેટલું દાન મળ્યું છે. તેમાં સૌથી મોટો હિસ્સો એક જ પક્ષને મળ્યો હોવાનું નોંધાયું છે ભાજપ ને કુલ દાનમાંથી લગભગ સમગ્ર રકમ મળતી જાવા મળી છે. આ આંકડો દર્શાવે છે કે ઉદ્યોગપતિઓ અને મોટા દાતાઓનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ વધુ છે. બીજી તરફ, કોંગ્રેસ અને આપને તુલનાત્મક રીતે ખૂબ ઓછું દાન મળ્યું છે, જે કુલ આંકડાની સામે નગણ્ય ગણાય.
આ દાનમાં સૌથી મોટો ફાળો કોર્પોરેટ અને બિઝનેસ ક્ષેત્રનો રહ્યો છે. અંદાજે ૮૦%થી વધુ રકમ કંપનીઓ, ઉદ્યોગગૃહો અને બિઝનેસ એકમો દ્વારા આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ, સિમેન્ટ, ફાર્મા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના દાતાઓ આગળ રહ્યા છે.
રાજકીય દાનમાં કેટલાક મોટા નામોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમાં રિયલ એસ્ટેટ ગ્રુપ, ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓનો સમાવેશ થાય છે, જેમણે કરોડોમાં દાન આપ્યું છે. વ્યક્તિગત સ્તરે પણ નોંધપાત્ર રકમ આપવામાં આવી છે.આ અહેવાલમાં એક રસપ્રદ બાબત એ પણ સામે આવી છે કે ઘણા દાતાઓએ એકસાથે મોટી રકમ આપવાને બદલે હપ્તાઓમાં દાન આપ્યું છે. આથી નાણાકીય વ્યવહારો ઓછા ચર્ચામાં રહે તેવો અંદાજ લગાવવામાં આવે છે. રાજકીય દાન મેળવવાના મામલે દેશભરમાં પણ ગુજરાત અગત્યનું સ્થાન ધરાવે છે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા ક્રમે આવે છે.