ગુજરાતમાં મચ્છરજન્ય બીમારીના અંકૂશ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં સ્થિતિ પર નિયંત્રણ માટે હજુ વર્ષો લાગી જશે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ દર મહિને મલેરિયાના દરરોજ સરેરાશ ૩૮૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાહતની વાત એ છે કે, ૨૦૧૯થી મલેરિયાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૨૧ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી મલેરિયાના ૧૮૪૬૯ કેસ નોંધાયેલા છે. જેની સરખામણીએ ૨૦૧૮માં ૨૨૧૧૪, ૨૦૧૯માં ૧૩૮૮૩ અને ૨૦૨૦માં ૪૭૭૧ કેસ નોંધાયા હતા. આમ, ૨૦૨૦થી મલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં મલેરિયાના ૪૩૬૫ કેસ નોંધાયેલા હતા જ્યારે ૧ મૃત્યુ થયું હતું. ગત વર્ષે મલેરિયાના સૌથી વધુ ૬૮૮૯૩ કેસ ઓડિશામાં નોંધાયા હતા. સમગ્ર દેશમાં ગત વર્ષે મલેરિયાના કુલ ૨.૫૭ લાખ કેસ સામે આવ્યા હતા જ્યારે ૭૬ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
આરોગ્ય વિભાગના દાવા અનુસાર ગુજરાતમાં મલેરિયા પોઝિટિવ દર ૧ હજારની વસતીએ ૧થી નીચે નોંધાયો છે. જેના પગલે સમગ્ર દેશમાં મલેરિયા નિર્મૂલન અંતર્ગત ગુજરાતનો કેટેગરી-૨માંથી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૪માં આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયાના નિદાન માટે અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓ શોધીને લોહીના નમૂના એકત્રિત કરી નિઃશુલ્ક નિદાન કરાયું હતું.
મેલેરિયાના ખાસ કરીને ચોમાસામાં સૌથી વધુ દર્દી નોંધાતા હોય છે.કોઇ દર્દી મેલેરિયા પોઝિટિવ છે નહીં તેની ચકાસણી માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં મેલેરિયાના દર્દીને ક્લોરોકવીન અને પ્રીમાકવીનની દવા આપી રેડિકલ સારવાર થાય છે.
અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૫૮ , ૨૦૨૦માં ૨૦, ૨૦૨૧માં ૫ , ૨૦૨૨માં ૫ , ૨૦૨૩માં ૨ અને ૨૦૨૪માં ૬ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ વર્ષે મેલેરિયાના એક પણ કેસ અત્યારસુધીમાં નોંધાયો નથી.અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ૫ વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નહીં થયાનો દાવો કરાયો છે.
એઆઇ આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પિતી સ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેકટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર જીઆઇડીસી, અને સાણંદ જીઆઇડીસીના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા.વાસણા, બોળ, શિયાવાડા, છારોડી વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪માં નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.