હોર્સ રેસીંગ ટર્મીનોલોજીનો એક શબ્દ છે – ડાર્ક હોર્સ. હોર્સ રેસીંગમાં એક તરફ મેદાનમાં ઘોડાઓ દોડતાં હોય છે અને બીજી તરફ ઓડિયન્સમાં બડે બડે લોગ કયો ઘોડો જીતશે અને કયો હારશે કે પાછળ રહી જશે તેની શરતો લગાવાતી હોય છે. ઘોડાનાં દેખાવ અને અગાઉની રેસમાં તે જીત્યા -હાર્યાનાં ઇતિહાસને ઘ્યાને લઇને કયો ઘોડો જીતશે, કયો ઘોડો રનર્સ-અપ બનશે તેની ધારણાઓ સાથે શરત લગાવવામાં આવતી હોય છે. કેટલાક ચોકકસ ઘોડાઓ બેટર્સનાં ફેવરીટ હોય છે. કયો ઘોડો જીતશે કે હારશે તે લગભગ નકકી જ હોય છે… પરંતુ કેટલીક વાર એવું બને છે કે શરતો લગાવનારની ધારણાઓને ખોટી પાડીને કોઇ અજાણ્યો ઘોડો જીતી જાય છે. આ ધારણાઓ ખોટી પાડીને વીન થનાર ઘોડાને ડાર્ક હોર્સ કહેવામાં આવે છે. આ ડાર્ક હોર્સ માત્ર ઘોડાની સ્પર્ધાઓમાં જ નથી હોતા. રાજકારણમાં પણ હોય છે. લગભગ તમામ રાજકીય સમીક્ષકોની ધારણાઓ ખોટી પાડીને આમ આદમી પાર્ટી અને અરવીંદ કેજરીવાલ છેલ્લા વર્ષોમાં ડાર્ક હોર્સ સાબીત થતાં રહયાં છે અને એટલે જ ગુજરાતમાં પણ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં બાહય ચિત્ર જે કાંઇ દેખાતું હોય તે – આપનું માપ કાઢવું મુશ્કેલ છે.
મુશ્કેલ એટલા માટે છે કે અરવીંદ કેજરીવાલ અને આમ આમદી પાર્ટીએ રાજકીય સમીક્ષકોની ધારણાઓ છેલ્લા દાયકામાં વારંવાર ખોટી પાડી છે. સમગ્ર દેશમાં રાજકીય ક્ષેત્રે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનો દબદબો ફેલાઇ રહયો હોય તેવા સમયમાં એક તરફ કોંગ્રેસ તૂટી રહી હોય તેવા સમયમાં એક શિક્ષીત રાજકારણી તરીકે અરવીંદ કેજરીવાલે પોલીટીકલ વર્લ્ડમાં પર્દાર્પણ કર્યુ હતું. સામાન્ય લોકોનાં અવાજ તરીકે એક ઓળખ ઉભી કરવાનો અરવીંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીનાં બેનરથી પ્રયાસ કર્યો હતો ત્યારે ભાજપનાં જલવાની સરખામણીએ અને કોંગ્રેસનાં કામણની કમ્પેરીઝનમાં તેની હાંસી ઉડાવવામાં આવતી હતી. પરંતુ જયારે ભારતીય જનતા પાર્ટી ભારતને કબજે કરી રહી હતી અર્થાત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને સમગ્ર દેશનાં સુકાની બન્યાં હતાં ત્યારે આવેલી દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેદાન મારી દીધું હતું. મતલબ કે ભારતીય જનતા પાર્ટીએ ભારત ભલે કબજે કરી લીધું હોય પરંતુ ભારતની રાજધાની દિલ્હીને તો આમ આદમી પાર્ટીએ જ કર્યુ હતું. આ રીતે અરવીંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનીને ડાર્ક હોર્સ સાબીત થયાં હતાં. આમ આદમી પાર્ટી અને અરવીંદ કેજરીવાલ આ રીતે અનેક સ્થાનો પર વારંવાર રાજકીય સમીક્ષકોની ધારણાઓને ખોટી પાડીને વારંવાર મેદાન મારતા રહયાં છે. પંજાબની ચૂંટણી વખતે પણ રાજકીય સમીક્ષકો અવઢવમાં હતાં. જે પ્રકારની રાજકીય સ્થિતિ હતી અને ઉપલી સપાટી પર જે કાંઇ જોવા મળતું હતું તેના આધાર પર સમીક્ષકો કહી રહયાં હતાં કે પંજાબમાં કદાચ ભાજપ જીતે છે અથવા તો કોંગ્રેસ જીતે છે. આમ આદમી પાર્ટી પ્રત્યે કટાક્ષ કરવા સિવાય સમીક્ષકો પાસે ખાસ કંઇ હતું નહીં. કેટલાક સમીક્ષકો આમ આદમી પાર્ટીને ઉલ્લેખને પાત્રને પણ ગણતા નહોતાં. પરંતુ જયારે પરિણામ આવ્યું ત્યારે વિનર એટલે ડાર્ક હોર્સ હતા – અરવીંદ કેજરીવાલ અને તેમની પાર્ટી – આમ આદમી પાર્ટી… એવી જ રીતે ગુજરાતમાં સુરત નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આમ આદમી પાર્ટીએ સમીક્ષકોની ધારણાઓને ખોટી પાડી હતી. આ રીતે આમ આદમી પાર્ટી વખતો વખત ડાર્ક હોર્સ સાબીત થતી રહી છે.
અને એટલે જ ગુજરાતમાં જયારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપનું માપ કાઢવું મુશ્કેલ છે. આમ તો ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. કોંગ્રેસ છેલ્લા બે દાયકાથી ધીમે-ધીમે ધોવાઇ ધોવાઇને ખોવાઇ ગઇ છે. ત્યારે કયાંક – કયાંક આમ આદમી પાર્ટી ધીમે- ધીમે આછી આછી છવાઇ ગઇ છે. આમ આદમી પાર્ટીએ એક ત્રીજા મોરચા તરીકે ગુજરાતમાં ઓળખ ઉભી કરી લીધી છે. બીજી તરફ તૂટતી કોંગ્રેસમાં સંકલનનો ભયંકર અભાવ છે ત્યારે લોકો ભલે કહેતા હોય કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઇ સ્થાન નથી. પરંતુ ગુજરાતમાં જે પ્રકારે રાજય સ્તરે અને જિલ્લા સ્તરે આમ આદમી પાર્ટી તરીકે પોતાના સુકાનીઓને પસંદ કરી રહી છે. તે જોતા આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કદાચ બીજા નંબરની પાર્ટી બની જાય તો નવાઇ નથી અને જે પ્રકારે આમ આદમી પાર્ટી જનતાનાં પ્રશ્નોને ઉકેલવા માટે એક અલગ સીસ્ટમ ઉભી કરીને કામ કરી રહી છે તે જોતા કેટલાક સમીક્ષકો તેને આવનારા સમયની નંબર વન પાર્ટી એટલે કે સતાધારી પાર્ટી તરીકે પણ દર્શાવી રહયાં છે. જોકે ભાજપ એ ભાજપ છે હિંદુત્વ લોકોનાં હૈયામાં છે અને હદુત્વ એ આમ આદમી પાર્ટીનો સિદ્ધાંત બની શકે તેવી કોઇ સંભાવના નથી. આમ આદમી પાર્ટી એક અલગ અંદાજથી જ કામ કરી રહી છે ત્યારે પણ તેના માટે હદુત્વ એક મર્યાદા બની રહે છે. પરંતુ પાર્ટીએ છેવાડાનાં માનવી પ્રત્યે જે ઘ્યાન આપ્યું છે અને આપી રહી છે તે બાબત જો ભાજપનાં હદુત્વને પણ કોરાણે મુકી દે તો આમ આદમી પાર્ટી ચમત્કાર પણ કરી શકે. તેમ છતાં પાર્ટી પાસે જે સિદ્ધાંતશકિત છે અને બીજી તરફ તેની સામે જે ભાજપીય પડકારો છે તે જોતા અત્યારે તો આપનું માપ કાઢવું મુશ્કેલ જ છે. ‘આપ’ વિશે શું માનો છો આપ?