ગુજરાત સરકારે શહેરી વિકાસને નવી દિશા આપતા પાંચ નાના શહેરોને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજના વર્ષ ૨૦૩૦ સુધીમાં અમદાવાદ નજીક સાણંદ, ગાંધીનગર નજીક કલોલ, વડોદરા નજીક સાવલી, સુરત નજીક બારડોલી અને રાજકોટ નજીક હીરાસરને મહાનગર સમકક્ષ સુવિધાઓથી સજ્જ કરીને આર્થિક પ્રવૃત્તિના નવા કેન્દ્રો બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.ગુજરાતના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ પાંચ શહેરોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી બે મહિનામાં કન્સલ્ટન્ટ્‌સની નિમણૂક કરીને એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.

આ યોજના ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ના ‘અ‹નગ વેલ લિવિંગ વેલ’ મંત્રને સાકાર કરવાના ઉદ્દેશથી તૈયાર કરાઈ છે. મહાનગરોથી માત્ર એક કલાકના અંતરે આવેલા આ શહેરોને આર્થિક રીતે સશક્ત બનાવીને રોજગાર, રહેઠાણ અને જીવનની ગુણવત્તા સુધારવામાં આવશે.આનાથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરો પર વધતું વસ્તી અને આર્થિક દબાણ ઘટશે.સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલું આ શહેર વૈશ્વીક કંપનીઓના આગમનથી ઝડપી વિકાસના માર્ગે છે.

આ સાથે જ  કલોલ, સાવલી, બારડોલી, હીરાસર સેટેલાઇટ ટાઉનમાં વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે,જેમાં ઇલેક્ટ્રીક બસ સાથેનું જાહેર પરિવહન વ્યવસ્થા,રિંગ રોડ અને અદ્યતન પાણી પુરવઠો તથા વેસ્ટ મેનેજમેન્ટ,અર્બન ફોરેસ્ટ પાર્ક, વિકસિત તળાવો અને મોડેલ ફાયર સ્ટેશન અને મિક્સ્ડ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ કામગીરીને ઝડપ આપવા માટે મંજૂરી અને દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે.