કચ્છના નખત્રાણામાં ફેબ્રુઆરી મહિનામાં એક યુવક અને યુવતી ગુમ થયાં હતાં. જેના બાદ ખાંભલા ગામના કૂવામાંથી યુવક-યુવતીની લાશ મળી આવી હતી. ડબલ મર્ડર કેસમાં યુવતીના પિતાએ જ પ્રેમીપંખીડાની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. કચ્છમાં ઓનર કિલંગના કેસથી ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણા તાલુકાના ગુમ થયેલા યુવક યુવતીની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. પોલીસની તપાસ બાદ ખાંભલા ગામના કૂવામાંથી બંનેની લાશ મળી આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં રબારી સમાજના યુવક અને યુવતી બંને ગુમ થયા હતા, જે અંગે ગુમશુદા ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં ઓનર કિલિંગની આશંકાના પગલે પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી.
આખરે ડબલ મર્ડરનો ભેદ ખૂલી ગયો છે. યુવતીના પિતા અને ભાણેજ જ હત્યારા નીકળતા સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. ખાંભલાની યુવતીને તેના જ સમાજના યુવાન સાથે પ્રેમ થઈ જતા તેની સાથે ભાગી ગઈ હતી. પિતાએ તેને શોધીને બંનેને જબરદસ્તી ઉપાડી લઈ ગયા હતા. આ બાદ રસ્તામાં ગળું દબાવી હત્યા કરી કૂવામાં નાંખી દીધા હોવાની કબૂલાત કરી હતી.
નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે કૂવામાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકો નવીન જીવા રબારી (ઉંમર ૨૧) અને નાથીબેન વકા રબારી (ઉંમર ૧૯) હોવાનું સામે આવ્યું છે. બંને એકમેકના પ્રેમમાં હતા અને ૩ ફેબ્રુઆરીથી લાપતા હતા. ત્યારબાદ યુવકની ૫ ફેબ્રુઆરીએ અને યુવતીની ૭ ફેબ્રુઆરીએ ગુમનોધ નોંધાવવામાં આવી હતી. ગુમ નોંધના આધારે નખત્રાણા પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન યુવતીના પિતા વકા રબારી પર શંકા જતા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પિતાએ ભાણેજ પબા ગાભા રબારી સાથે મળી પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી કૂવામાં ફેંકી દીધા હોવાની કબૂલાત આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નખત્રાણા પોલીસ અને ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.