વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી પત્ર ભર્યું. ગુજરાતની ધરતી પરથી કેજરીવાલે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, હું રાજકારણ છોડી દઈશ. આજે ભવ્ય રેલી સાથે ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટાચૂંટણી માટે ફોર્મ ભર્યું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા. વિસાવદરની ગલીઓમાં આપની ભવ્ય રેલી નીકળી હતી, જેમાં જનમેદની ઉમટી હતી. તો વિસાવદરમાં કેજરીવાલને ભારે આવકાર મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલે ભાજપને ચેલેન્જ આપી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ૧૮ વર્ષથી તમે લોકોએ ભાજપને વિસાવદરમાં ઘૂસવા દીધી નથી. ૧૮ વર્ષથી ભાજપ વિસાવદરમાં જીતી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલાં તમે કોંગ્રેસને વોટ આપ્યો તો આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો. તો ભાજપે વિસાવદર પર હુમલો કરી દીધો અને વિસાવદરના લોકોનું અપમાન કરવાનું શરૂ કરી દીધું. પહેલાં તમે લોકોએ કોંગ્રેસના હર્ષદ રાબડિયાને જીતાડ્યા તો ભાજપે બદમાશી કરીને તેને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા. વિસાવદરવાસીઓએ ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઇ ભાયાણી જીતાડ્યા. ભાજપે તેમને પણ ખરીદી લીધા.

અરવિંદ કેજરીવાલે વિસાવદરની ધરતી પરથી ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ કહે છે કે વિસાવદવાસીઓ તમારી મરજી હોય તેને જીતાડો, અમે તેને ખરીદી લઇશું. તો આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે પણ અમારો હિરા જેવો સભ્ય ઉભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવે, કેજરીવાલ રાજકારણ છોડી દેશે. ગોપાલ ઇટાલિયાને એટલી ભારે બહુમતિથી જીતાડજા કે ભાજપને તમાચો લાગવો જોઇએ.

વિસાવદરમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને પણ આડે હાથ લીધું હતું. કોંગ્રેસ માટે કેજરીવાલે કહ્યું કે, આ કોંગ્રેસ પણ એક નંબરની દગાબાજ છે. કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે. કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં બેઠી છે. ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જાડાયા, જ્યારે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા. કોંગ્રેસ અમારી પાસે આવીને કહ્યું કે  અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં તમે ઉમેદવાર ઉભો ન રાખો. અમે અમારો ઉમેદવાર ઉભો ન રાખ્યો કારણ કે અમારે ભાજપને હરાવવી હતી.’