ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ના નિયમોના અમલના ભાગરૂપે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘નો સ્કૂલબેગ ડે’ (બેગલેસ ડે)ની શરૂઆત કરવામાં આવશે. આ નવો નિર્ણય આગામી શનિવાર, ૫ જુલાઈ ૨૦૨૫થી અમલમાં આવશે. આ દિવસે વિદ્યાર્થીઓએ સ્કૂલબેગ વગર શાળાએ આવવાનું રહેશે, અને શૈક્ષણિક અભ્યાસને બદલે ઇત્તર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ બેગલેસ ડેનો ખ્યાલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યો છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના શૈક્ષણિક બોજને ઘટાડીને તેમની સર્જનાત્મકતા, શારીરિક ફિટનેસ, અને સામાજિક કૌશલ્યોને વિકસાવવાનો છે. બેગલેસ ડે દરમિયાન, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો અને હોમવર્કના બોજમાંથી મુક્તિ આપીને યોગ, રમતગમત, બાલસભા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને અન્ય સર્જનાત્મક કાર્યોમાં જાડવામાં આવશે. આનાથી બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થશે, સાથે જ શાળા પ્રત્યેનો તેમનો રસ અને ઉત્સાહ પણ વધશે.

શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “બેગલેસ ડેનો હેતુ બાળકોને શાળાના વાતાવરણમાં આનંદદાયી શિક્ષણનો અનુભવ કરાવવાનો છે. આ દિવસે બાળકો રમતગમત, કળા, સંસ્કૃતિ અને ટીમવર્ક જેવી પ્રવૃત્તિઓ દ્વારા શીખશે, જે તેમના વ્યક્તિત્વના વિકાસમાં મદદરૂપ થશે.”

શિક્ષણ વિભાગે શાળાઓને બેગલેસ ડે દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા સૂચના આપી છે. આમાં નીચેની ગતિવિધિઓનો સમાવેશ થઈ શકે છેઃશારીરિક કસરતો અને રમતગમતઃ બાળકોની શારીરિક ફિટનેસ માટે રમતો, દોડ, અને અન્ય આઉટડોર પ્રવૃત્તિઓ.યોગ અને ધ્યાનઃ માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા વધારવા માટે યોગ અને ધ્યાન સત્રો. બાલસભાઃ બાળકોની નેતૃત્વ ક્ષમતા અને સામાજિક કૌશલ્યો વિકસાવવા માટે બાલસભાનું આયોજન. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓઃ નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા અને હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ. પર્યાવરણ જાગૃતિઃ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ. વાર્તાકથન અને ચર્ચાસત્રોઃ બાળકોની વાચન અને વિચારશÂક્ત વધારવા માટે વાર્તાકથન અને ચર્ચાઓ. શિક્ષણ વિભાગે શાળાઓને એક કમિટી રચવાનું સૂચન આપ્યું છે, જે આ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરશે. આ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રવૃત્તિઓની સ્પષ્ટ માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, એકમ કસોટીઓના નિર્ણયો બાદ બેગલેસ ડેની પ્રવૃત્તિઓનું શેડ્યૂલ વધુ સ્પષ્ટ થશે.

ગુજરાતની અનેક સરકારી અને ખાનગી શાળાઓમાં સ્વૈÂચ્છક રીતે બેગલેસ ડેની પ્રથા પહેલેથી જ અમલમાં છે. આ શાળાઓ અઠવાડિયામાં એક દિવસ અથવા મહિનામાં એક દિવસ બેગલેસ ડે તરીકે ઉજવે છે, જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી અલગ રાખીને રમતગમત, કળા, અને સાંસ્કૃતિક ગતિવિધિઓમાં જાડવામાં આવે છે. જાકે, રાજ્ય શિક્ષણ વિભાગના તાજેતરના પરિપત્ર બાદ હવે આ પહેલ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે અમલમાં આવશે, જે એક સમાન અને વ્યવસ્થિત અભિગમ લાવશે. શિક્ષણ વિભાગે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને ૫ જુલાઈથી બેગલેસ ડેની શરૂઆત કરવા અને તેને ‘આનંદદાયી શનિવાર’ તરીકે ઉજવવા સૂચના આપી છે.