આપણી સંસ્કૃતિમાં નદીને માતાનો દરજ્જા આપવામાં આવ્યો છે. પરંતુ આ નદીઓને પ્રદૂષિત કરવામાં પણ આપણે મોખરે છીએ. ગુજરાતમાં નર્મદા, સાબરમતી સહિત કુલ ૨૦ નદીઓ પ્રદૂષિત છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ પ્રદૂષિત નદી હોય તેમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૩ જ્યારે ભારતમાં કુલ ૩૫૧ નદીઓ અત્યંત પ્રદૂષિત છે.
ગુજરાતમાં જે નદીઓ પ્રદૂષિત છે તેમાં અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વારમિત્રી, દમણગંગા, તાપી, મેશ્વાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે સાબરમતી નદી પરનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં રૃપિયા ૨૦૧.૫૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં ૨૦૧૪-૧૫માં ૪૪ કરોડ, ૨૦૧૫-૧૬માં ૨૪.૧૨ કરોડ, ૨૦૧૬-૧૭માં ૭૧.૪૦ કરોડ, ૨૦૧૭-૧૮માં ૬૨ કરોડનો સમાવેશ થાય છે. ગંગા બાદ કોઇ નદી પરથી પ્રદૂષણ દૂર કરવામાં માટે ફાળવવામાં આવેલું આ સૌથી વધુ રકમમનું ફંડ છે. ગંગા નદી પરથી પ્રદૂષણ દૂર કરવા ચાર વર્ષમાં રૃપિયા ૯૧૭.૨૪ કરોડ ફાળવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં નદીઓ પ્રદૂષિત થવા માટે ઉદ્યોગો મુખ્યત્વે જવાબદાર હોવાનો જાણકારોનો મત છે. નદી પરના પ્રદૂષણને ઘટાડવા તંત્ર હજુ નહીં જાગ્યું તો સ્થિતિ વધુ વણસે તેવી પૂરી દહેશત છે. જાણકારોના મતે નદીઓમાં પ્રદૂષણ ફેલવાતા ઔદ્યોગિક એકમો સામે કડકમાં કડક પગલાં લેવા જાઇએ. ગુજરાતની આ પ્રદૂષિત નદીઓમાં બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું હોવાનું સામે આવ્યું છે. દેશમાં સૌથી વધુ નદીઓ
પ્રદૂષિત હોય તેમાં મહારાષ્ટ્ર બાદ આસામ બીજા, મધ્ય પ્રદેશ ત્રીજા અને કેરળ ચોથા સ્થાને છે.
ગુજરાતની કઇ નદીઓ પ્રદૂષિત? અમલાખડી, ભાદર, ભોગાવો, ખારી, સાબરમતી, વિશ્વામિત્રી, ધાદર, ત્રિવેણી, અમરાવતી, દમણગંગા, કોલક, મહી, શેઢી, તાપી, અનસ, બલેહવર ખાડી, કિમ, મેશ્વા, મિંઢોલા, નર્મદા.