અમદાવાદ સહિત ગુજરાતભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અનેક જિલ્લામાં ગાજવીજ સાથે  વરસાદ અને કરા પડયા છે માવઠાના કારણે પાકસને નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વીજળીના કડાકા અને ભડાકા વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે આગામી છ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ પલટાની સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો છે  આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તો બનાસકાંઠાના વડગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ કલાકમાં  બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે. મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.બનાસકાંઠામાં મોડી રાત્રે થરાદના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. મોરથલ સહિતના રાજસ્થાનને અડીને આવેલા ગામડાઓમાં કરા પડ્યા છે. ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં દાંતીવાડા ધાનેરા થરાદ સહિતના રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં કમોસમી વરસાદ આવ્યો છે. અમદાવાદમાં મોડી રાતથી અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડયો હતો  થલતેજ અને એસજી હાઇવે, રાણીપ, નિર્ણયનગર વાડજ,ચાંદલોડિયા રાણીપ,શાહપુર થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા ભીંજાયા અને પાણીના ખાબોચિયા ભરાયા છે. રાજ્યભરમાં વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં  અંધારપટ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પશ્ચિમમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. જીય્ હાઇવે, જાધપુર, સેટેલાઇટ, બોડકદેવમાં વરસાદી છાંટા પડ્યાં છે. તેમજ વૈષ્ણોદેવી, ગોતા, બોપલ, શીલજમાં પણ વરસાદી છાંટા પડ્યાં છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જુનાપાઘર, નીલકી, વલાણા, સચાણામાં પણ જામ્યો વરસાદી માહોલ  જામ્યો છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ  સાથે વરસાદ ખાબક્યો છે.વરસાદી માહોલમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ રાહત અનુભવી છે.હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે. તો ગરમીથી લોકોને રાહત મળી છે.  પાટણ જિલ્લાના  વાતવરણમાં મોટો પલટો આવ્યો  છે. પાટણ, સિદ્ધપુર, હારીજ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન  ફૂંકાયો છે.  ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રીહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં અસર જોવા મળી છે. મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું  આગમન  થયું  છે. મોડી રાત્રે ૨.૩૦ વાગે મહેસાણાના જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વરસાદ નોંધાયો છે. વડનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો.

સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. હિંમતનગર, ઇડર,વડાલી,ખેડબ્રહ્મા અને વિજયનગરમાં રાત્રી દરમિયાન ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ આવ્યો.  ભર ઉનાળે ગાજવીજ સાથે અરવલ્લીમાં કમોસમી વરસાદ આવ્યો. માલપુર, મેઘરજ, મોડાસા સહિત અન્ય તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થઈ શકે છે. જોકે, બીજી તરફ વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી છે. ઠંડક પ્રસરતા લોકોને ગરમી માંથી આંશિક રાહત થઈ છે. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પરના ખાબોચિયા પણ ભરાયા છે. છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. માવઠાને પગલે લગ્ન સહિતના પ્રસંગના આયોજકોમાં ભારે ચિંતા પ્રસરી છે. તો અચાનક આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. મકાઈ અને બાજરીનો લણેલો પાક નુકસાન પામે તેવી  સ્થિતિ ઉભી થઈ છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક  સર્ક્‌યુલેશન બનેલું છે. એક ટ્રફ  એક્સટેન્ડ થઈ રહ્યો છે. જે ટ્રફ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધીનો છે, જેની ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર અસર જોવા મળી શકે છે