ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર જારાવરસિંહ જાદવનુ નિધન થયું છે. પદ્મશ્રીથી સમ્માનિત જારાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતના સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ૮૫ વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા. તેઓ વાર્તાકાર તરીકે પ્રખ્યાત હતા અને ગ્રામજીવન પર આધારિત વાર્તાઓ લખી. તેમની નોંધપાત્ર કૃતિઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે’ (૧૯૭૦), ‘લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ’ (૧૯૭૪) અને ‘રાજપૂત કથાઓ’ (૧૯૭૯)નો સમાવેશ થાય છે. ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઍક્સ પર પોસ્ટ કરીને જારાવરસિંહ જાદવને શ્રદ્ધાંજલિ આપી છે. જારાવરસિંહ જાદવે લોકસાહિત્ય અને લોકકલા પર ૯૦ જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી હતી. જેમાં ‘આપણા કસબીઓ’ (૧૯૭૨), ‘ગુજરાતની લોકસંસ્કૃતિ’ (૧૯૭૬), ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ (૧૯૭૯) જેવી પુસ્તકો છે. તેઓ લોકગીતો, ટુચકા અને જાડકણાં જેવા ક્ષેત્રોમાં સંશોધન કર્યું.જારાવરસિંહ જાદવ સાહિત્ય ક્ષેત્રે સંશોધક ઉપરાંત રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પણ હતા. તેમનો જન્મ ધંધૂકા તાલુકાના આકરુ ગામે થયો હતો. ગુજરાતી વિશ્વકોષ મુજબ જારાવરસિંહ જાદવે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાંથી બીએની ડિગ્રી મેળવી હતી અને પછી ભારતીય સંસ્કૃતિના વિષય સાથે એમએ થયા હતા. તેમની વાર્તાઓમાં ગ્રામ્ય જીવન કેન્દ્રસ્થાને રહી છે.તેમણે ભાતીગળ લોકકથાઓ અને મનોરંજક કથામાળા જેવા બાળવાર્તાઓનાં પુસ્તકો પણ લખ્યા હતા તેમના નિધન વિશે માહિતી આપતા તેમના દીકરાએ જણાવ્યું કે, અમારા પિતા જારાવરસિંહ દાનુભાઈ જાદવ (પદ્મશ્રી) નું આજે સવારે દુઃખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે ૪.૦૦ વાગ્યે નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. સ્મશાનગૃહ પહોચી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં