કરોડોના બિટકોઈન કૌભાંડના વમળમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ફસાયા છે. રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જનાર બિટકોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ સેશન્સ કોર્ટે તત્કાલિન અમરેલીના પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ સહિત ૧૪ લોકોને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા સંભળાવી છે.
આ કેસનું મૂળ સુરતના શૈલેષ ભટ્ટ સાથે જાડાયેલું છે. શૈલેષ ભટ્ટ સુરતમાં બાંધકામ સાથે બિટકોઇનનો વ્યાપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી સીબીઆઈનો ફોન આવ્યો અને આ કેસમાં ફરિયાદ ન નોંધવવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આ બિલ્ડરને એક હોટલમાં બોલાવીને ૫ કરોડનો તોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગે ફરિયાદ થઈ તેમાં જણાવાયું કે, અપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મ હાઉસ લઈ ગયા અને તેને માર મારવામાં આવ્યો હતો. આ આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે પણ ધમકી આપીને રૂપિયા ૧૨ કરોડના બિટકોઇન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. અનંત પટેલે વધારાના ૫૦ કરોડની પણ માંગણી કરી હતી. ત્યારબાદ શૈલેષ ભટ્ટે આ અંગે ગૃહખાતામાં ફરિયાદ કરી હતી.
આ સમગ્ર કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી સામે આવી હતી. સમગ્ર ઘટનામાં નલિન કોટડિયાની ભૂમિકા “ફિક્સર” તરીકેની હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેમનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી ફરાર રહ્યા હતા. લાંબો સમય ફરાર રહ્યા બાદ,સીઆઇડી ક્રાઈમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું બહાર પાડ્યું હતું. આખરે, તેમને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટમાં તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઘણા સમય પછી, મે ૨૦૧૯માં ગુજરાત હાઇકોર્ટે તેમને અમુક શરતી જામીન આપ્યા હતા.