અમરેલી જિલ્લામાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા આયોજિત ‘નેશનલ સ્ટેમ ક્વીઝ ૪.૦’ માટે ઓનલાઈન મોક ટેસ્ટનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ આગામી ૩૧ ડિસેમ્બર સુધી આ મોક ટેસ્ટ આપી શકશે. જ્યારે તાલુકા અને જિલ્લા કક્ષાની મુખ્ય ઓનલાઈન પરીક્ષા આગામી ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે, જેમાં વિજેતાઓ માટે કરોડોના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ધોરણ ૯ થી ધોરણ ૧૨ ના જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે, તેવા તમામ વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન મોક ટેસ્ટનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ મોક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાના ફોર્મેટથી પરિચિત થઈ શકશે. તાલુકા અને જિલ્લા કક્ષાની નેશનલ સ્ટેમ ક્વીઝ ૪.૦ (ગોલ્ડન અવર્સ) તારીખ ૭ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૧૨ઃ૩૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ સ્પર્ધામાં કુલ રૂપિયા ૨ કરોડ સુધીના ઈનામો રાખવામાં આવ્યા છે.