ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ અર્બન ડેવલપમેન્ટ એરિયા (SUDA) જાહેર થયાને દોઢ વર્ષ વીતી ગયું હોવા છતાં, બાંધકામની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે બંધ છે. આના કારણે જિલ્લાના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની રોજગારી પર ગંભીર અસર પડી રહી છે. બાંધકામ, સબ-પ્લોટિંગ, બિનખેતી અને નકશા મંજૂરી સહિતની તમામ પ્રક્રિયાઓ દોઢ વર્ષથી અટકી પડી છે. આ સ્થિતિને કારણે નાના વેપારીઓથી માંડીને દૈનિક મજૂરો, બિલ્ડરો અને ડેવલપરો સુધી સૌને આર્થિક હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ બિલ્ડર એસોસિએશન અને આગેવાનો દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં સમગ્ર ગુજરાત માટે લાગુ કરાયેલા એક સરકારી જીઆર (GR)નો એન્જિનિયરો અને નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરતાં ગીર સોમનાથ જિલ્લાને અન્યાય થતો હોવાની લાગણી વ્યક્ત થઈ છે.