ગીર સોમનાથ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા ધોલેરામાં મદનમોહનજી મહારાજની સ્થાપનાના દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાં ૬ સ્થળોએ યોજાયેલા આ કેમ્પમાં કુલ ૪૬૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી ગુજરાત-મહારાષ્ટ્રમાં એકસાથે ૬૭ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૭ મળી કુલ ૭૪ સ્થળોએ મહારક્તદાન કેમ્પ યોજાયા હતા. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ લોહાણા વાડી ખાતે ૧૨૧ યુનિટ, કોડીનાર સ્વામિનારાયણ મંદિર ખાતે ૭૬ યુનિટ, તાલાળા સ્વામિનારાયણ મંદિર ખાતે ૪૮ યુનિટ અને સાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે ૬૦ યુનિટ રક્ત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક વેરાવળ દ્વારા એકત્ર કરાયું હતું. જ્યારે ઉના ખાતે ૪૨ યુનિટ અને હેમાળ ખાતે ૧૧૩ યુનિટ રક્ત દિવ્યજ્યોતિ બ્લડ બેન્ક ઉના દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. કોડીનાર મુકામે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે જાહેર જનતાને રક્તદાન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા અનુરોધ કર્યો હતો. આ તકે કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હરિભાઈ વિઠલાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, લોહાણા સમાજ પ્રમુખ ભાવેશભાઈ રૂપારેલ, ડો. બી.એમ. પરમાર, સરપંચ સુરપાલભાઈ બારડ, ખેડૂત અગ્રણી માંડણભાઈ રાવલીયા, નગરપાલિકા સભ્ય માનસિંગભાઈ જાદવ, યુવા ભાજપના પ્રવીણભાઈ બારડ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વેરાવળ, કોડીનાર, તાલાળા, સાસણ, ઉના અને હેમાળના લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના હરિભક્તો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.










































