શિક્ષક દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સોમનાથના યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના આઠ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં તાલાલા અને ઉના તાલુકાના બે-બે, જ્યારે કોડીનાર અને વેરાવળના એક-એક એમ કુલ સાત શિક્ષકોને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ પાલડી પ્રાથમિક શાળાના વાજા મોહનભાઈનું પ્રશસ્તિપત્ર અને શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકો ઉપરાંત જ્ઞાન સાધના-જ્ઞાન સેતુમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ નિમાવતે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી. મકવાણા સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.