ગીર સોમનાથ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે સરકારે બજારના ખુલ્લા ભાવ (રૂ.૮૦૦ થી રૂ.૧૨૦૦) કરતાં ટેકાનો ભાવ રૂ.૧,૪૫૨ પ્રતિ ક્વિન્ટલ ઊંચો જાહેર કરતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કુલ ૧૧ સેન્ટરો પૈકી ત્રણ સેન્ટરો પર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી શરૂ થતાં જ કોડીનાર ખાતે ૫૦ જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા માટે પહોંચ્યા હતા. ખુલ્લી બજારના ભાવની સરખામણીએ ટેકાના ભાવનો ફાયદો મળતાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ.૪૦૦ થી રૂ.૫૦૦નો ચોક્કસ ફાયદો થઈ રહ્યો છે. કોડીનાર ખરીદ વેચાણ સંઘ સંચાલિત કેન્દ્રનું ઉદ્‌ઘાટન નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી અને સહકારી આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્‌ઘાટન પ્રસંગે કોડીનાર ખરીદ વેચાણ સંઘ પ્રમુખ દિલીપભાઈ મોરી, ઉપપ્રમુખ એભાભાઈ રામ, કોડીનાર માર્કેટિંગ યાર્ડ ચેરમેન સુભાષભાઈ ડોડીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, સોરઠ કારડીયા રાજપૂત સમાજ ઉપપ્રમુખ ભગુભાઈ પરમાર સહિત તાલુકાભરના સહકારી અગ્રણીઓ અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.